Banaskantha Black Money Scam: બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અંબાજી વિસ્તારમાં કાળા નાણાંને ધોળા (બ્લેકના વાઈટ) કરવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીંના અંતરિયાળ ગામોમાં રહેતા ગરીબ અને અભણ આદિવાસીઓની મજબૂરીનો લાભ ઉઠાવીને તેમના નામે ડમી બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં વર્ષે કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવે છે, જ્યારે જે વ્યક્તિના નામે ખાતું હોય તેને દિવાળીના સમયે માત્ર ૧૦ થી ૧૫ હજાર રૂપિયાની નજીવી રકમ આપીને પટાવી લેવામાં આવે છે. આ સુનિયોજિત કૌભાંડમાં માર્બલ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક મોટા વેપારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
મજૂરોની ઓળખનો દુરુપયોગ અને બેંક અધિકારીઓની ભૂમિકા
આ કૌભાંડમાં શિકાર બનનારા મોટાભાગના લોકો પથ્થરની ખાણોમાં કામ કરતા મજૂરો અથવા આદિવાસીઓ છે. કૌભાંડીઓ આ લોકોના ડોક્યુમેન્ટ્સ મેળવીને બેંકમાં ખાતા ખોલાવે છે અને અગાઉથી જ કોરા ચેક પર સહીઓ કરાવી આખી ચેકબુક પોતાની પાસે રાખી લે છે. ચોંકાવનારી વિગત એ છે કે, બેંકના મેનેજર અને સ્ટાફને આટલા મોટા ટ્રાન્જેક્શનની જાણ હોવા છતાં તેઓ આંખ આડા કાન કરે છે. ચર્ચાઓ મુજબ, બેંક અધિકારીઓને પણ આ કૌભાંડીઓ દ્વારા નિયમિત હપ્તા ચૂકવવામાં આવે છે, જેના કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈપણ રોકટોક વગર લાંબા સમયથી ચાલી રહી છે.
૧૦૦થી વધુ ડમી ખાતાઓ અને રાજકીય સંડોવણીની આશંકા
સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૦૦ થી વધુ ડમી બેંક ખાતાઓ દ્વારા કરોડો રૂપિયાના કાળા નાણાંને કાયદેસર બનાવવાનું કામ થઈ રહ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા માર્બલના વેપારીઓ ભારે રાજકીય વગ ધરાવે છે, જેના કારણે સ્થાનિક લોકોમાં એવી આશંકા છે કે કેટલાક મોટા રાજકીય નેતાઓનો પણ આમાં હાથ હોઈ શકે છે. હાલમાં સ્થાનિકો દ્વારા આ સમગ્ર મામલે ઊંડી તપાસ કરવાની અને જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

