Bharuch Double Murder Case: ભરૂચમાં ડબલ મર્ડરથી ચકચાર: સસરાએ પુત્રવધૂ અને વેવાણની હત્યા કરી, બાદમાં આપઘાતનો પ્રયાસ

Arati Parmar
3 Min Read

Bharuch Double Murder Case: માતા દીકરીને ચપ્પુ વડે રહેંસી નાખ્યા બાદ પોતે આત્મ હત્યાનો પ્રયાસ કર્યો,આરોપી સસરો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો

Bharuch Double Murder Case: ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્હોરાવાડ અને કોઠી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ એક વૃદ્ધ વ્યક્તિએ પોતાની પુત્રવધૂ અને તેની માતા ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી બંનેની નિર્મમ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપીએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કરતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

- Advertisement -

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઠી વિસ્તારમાં રહેતા ડૉ. યુસુફ ઝનોરવાલાના પિતા ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની પુત્રવધૂ અલીફિયા યુસુફભાઈ ઝનોરવાલા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતક હતો કે અલીફિયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ પણ આરોપીનો ક્રોધ શમ્યો ન હતો. તેણે વ્હોરાવાડ વિસ્તારમાં રહેતી પોતાની પુત્રવધૂની માતા શહેનાઝબેન નમકવાલાના ઘરે પહોંચી તેમના ઉપર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે શહેનાઝબેનનું પણ કરુણ મોત નીપજતાં બે પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઝૈનુલ ઝનોરવાલાએ પહેલા પોતાની પુત્રવધૂની હત્યા કરી હતી અને ત્યારબાદ વેવાણ શહેનાઝબેનને નિશાન બનાવી હત્યા અંજામ આપી હતી. બંને હત્યાઓ કર્યા બાદ તેણે એ જ હથિયાર વડે પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તે ICUમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.

Bharuch Double Murder Case

- Advertisement -

ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ તેમજ તપાસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બંને સ્થળોએ પંચનામાની કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલા હથિયાર સહિતના પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પારિવારિક વિવાદ, અંગત અદાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ બનાવી છે. શહેરના પ્રતિષ્ઠિત પરિવાર સાથે જોડાયેલી આ ઘટનાએ સમગ્ર ભરૂચમાં ભારે ચર્ચા જગાવી છે અને લોકોમાં આશ્ચર્ય સાથે ભયનો માહોલ સર્જાયો છે. પોલીસનું કહેવું છે કે આરોપીની હાલત સ્થિર થયા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે, જેના આધારે હત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે છે, હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

 

- Advertisement -
Share This Article