અમદાવાદ, તા. 27 : સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે બંધ થયેલા રસ્તાને લીધે ભારે વાહનોની અવરજવર પર પડેલી અસરોથી ઉત્પાદન માટેનો કાચોમાલ નિયમિત સમયે નહીં પહોંચતાં નિકાસ કરનારા વેપાર-ધંધા પર આવનારા દિવસોમાં માઠી અસર પડશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ દુર્ગેશ બુચે જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, રાજ્યમાં પડેલા વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાઈ જતાં ઉત્પાદન માટેનો કાચોમાલ નિયત સમયે ફેક્ટરી સુધી પહોંચી શક્યો નથી, તો કેટલાક નિકાસકારોનો વિકાસનો સામાન પણ નિર્ધારિત સમયે પહોંચી ન શકતાં આંતરરાષ્ટ્રીય બજારમાં નિયત સમયે ઉત્પાદનનો સામાન નહીં પહોંચવાથી નિકાસકારોને નુકસાન થવાની સંભાવના છે. શ્રી બુચ કહે છે કે, ગુજરાતના ઘરેલુ ઉત્પાદકો માટે પણ મોટી સમસ્યા છે, કારણ કે, રાજ્યની 400 ફાર્માસ્યુટિકલ કંપની એમની દવાઓ બનાવવા માટે કેમિકલ આયાત કરે છે.

રસાયણ આયાત થયા પછી કચ્છના બંદરેથી સમયસર ફેકટરીએ નહીં પહોંચતાં દવા બનાવતી કંપનીઓનાં ઉત્પાદનો પર પણ અસર પડી છે અને એની ઘરેલુ દવા બજાર પર પણ અસર પડશે. પરિવહન વ્યવસાયથી સંકળાયેલા મહેશ દવેએ જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે 30 ટકા જેટલી ટ્રકના પૈડાં થોડા સમય માટે બંધ થઈ ગયાં હતાં, જેના કારણે દરિયાઈ માર્ગે આયાત થયેલો કાચોમાલ સમયસર પહોંચી શક્યો નથી, તેથી ઘરેલુ ઉત્પાદન પર પણ અસર પડી છે.
એટલું જ નહીં જે લોકો નિકાસ કરે છે એ લોકોનો સામાન સમયસર પહોંચી નહીં શકવાને કારણે નિકાસકારોને પણ અસર પડી છે. જાણીતા અર્થશાત્રી કિરીટ જોશીએ જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, વરસાદને કારણે વાહનવ્યવહાર પર અસર થાય છે, એમાં પણ જ્યારે નિકાસકારો નિયત સમય પર સામાન પહોંચી ન શકે ત્યારે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. કારણ કે, આ યોગ્ય સમયની અવધિમાં નહીં પહોંચવાથી થોડું નુકસાન થશે. અલબત્ત ઘરેલુ બજારમાં દવાની થોડા સમય માટે અછત થાય છે, પણ હવે વાહનવ્યવહાર પુન: શરૂ થતાં એની કોઈ મોટી અસર નહીં પડે.

