Gujarat Ministers Social Media: ગુજરાતના રાજકારણમાં હાલ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં સચિવાલય જાણે કોઈ શૂટિંગ સ્ટુડિયો હોય તેમ મંત્રીઓ ગ્રાઉન્ડ ઝીરો પર જવાને બદલે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય દેખાય છે. પ્રજાના વાસ્તવિક પ્રશ્નો ઉકેલવાને બદલે મંત્રીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોતાની હાજરી નોંધાવવા પાછળ વધુ સમય ફાળવી રહ્યા છે. જનતાના દરબારમાં ગેરહાજર રહેતા નેતાઓ સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સરની જેમ ફોટા અને રીલ્સ મૂકીને ફોલોઅર્સ વધારવાની સ્પર્ધામાં ઉતર્યા છે, જેના કારણે સામાન્ય જનતામાં નારાજગી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર ‘રૂપાળું ગુજરાત’ અને ગ્રાઉન્ડની વાસ્તવિકતા
ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર જેવો ‘વિકાસ’ દેખાય છે તેવી સ્થિતિ જમીની સ્તરે જોવા મળતી નથી. સોશિયલ મીડિયાની રીલ્સમાં ગુજરાત ખૂબ જ ભવ્ય અને સમસ્યામુક્ત દેખાય છે, પરંતુ વાસ્તવમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર, દલાલોનો રાફડો અને પાયાની સુવિધાઓનો અભાવ હજુ પણ યથાવત છે. સામાન્ય નાગરિકોના પ્રશ્નો સાંભળવા માટે મંત્રીઓ પાસે સમય નથી, પણ સોશિયલ મીડિયા પર પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવા માટે તેઓ પળેપળની અપડેટ્સ આપતા રહે છે.
મુખ્યમંત્રી અને મંત્રીઓ વચ્ચે ડિજિટલ વોર
લોકપ્રિયતા મેળવવાની આ રેસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ વચ્ચે જાણે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રીની ડિજિટલ ઇમેજ સુધારવા માટે સરકારી માહિતી વિભાગ સતત કાર્યરત છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓએ પોતાની અંગત પીઆર (PR) એજન્સીઓ અને આઈટી કંપનીઓને હાયર કરી છે. મંત્રીઓમાં ‘હું જ ગુજરાતનો નાથ છું’ તેવો પ્રચાર કરવાની અને યુવા મતદારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા કંપનીઓને મોટા કોન્ટ્રાક્ટ આપવાની હોડ જામી છે, જે લોકશાહીમાં ચર્ચાનો વિષય બન્યો છે.
નેતાઓની લોકપ્રિયતાનો આંકડો અને આઈટી સેલનો પ્રભાવ
સોશિયલ મીડિયા પર ફોલોઅર્સના આંકડા પર નજર કરીએ તો રિવાબા જાડેજા ઇન્સ્ટાગ્રામ પર ૨૬ લાખ ફોલોઅર્સ સાથે સૌથી આગળ છે, જ્યારે હર્ષ સંઘવી અને રિવાબા ફેસબુક પર પણ મજબૂત પકડ ધરાવે છે. ટ્વિટર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની લોકપ્રિયતા વધુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પક્ષે સોશિયલ મીડિયા પર જેની મજબૂત પકડ હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું છે. જોકે, પ્રશ્ન એ થાય છે કે શું આ ડિજિટલ હાજરી પ્રજાની વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે કે પછી આ માત્ર ચૂંટણી જીતવાનું એક નવું હથિયાર બનીને રહી જશે?

