Water Scarcity In Gujarat: જળકટોકટીના ભણકારા: રાજ્યના 54 જળાશયોમાં જળસ્તર 10%થી પણ ઓછું

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Water Scarcity In Gujarat: ઉનાળાની આકરી ગરમી વચ્ચે ગુજરાતના જળાશયોમાં જળસ્તર 50 ટકાથી પણ વધુ ઘટી ગયુ છે. જ્યારે 54 જળાશયોમાં જળસ્તર હવે 10 ટકાથી પણ ઓછું છે. એટલુ જ નહીં 6 જળાશયો સંપૂર્ણપણે ખાલીખમ થઈ ગયા છે. સતત ઘટતાં જળસ્તરને પગલે ખાસ કરીને અનેક ગ્રામ્ય વિસ્તારો હવે ટેન્કર પર નિર્ભર બન્યા છે.

આ જળાશયોમાં 70 ટકાથી વધુ જળસ્તર

- Advertisement -

ગુજરાતમાં ગત વર્ષે 17 મે સુધીમાં 43 ટકા જળસ્તર હતું. જેની સરખામણીએ આ વખતે જળસ્તરની સ્થિતિ આંશિક સારી છે. હાલ 70 ટકાથી વધુ જળસ્તર હોય તેમાં રાજકોટના આજી-2, ભાદર-2, ન્યારી-2, મોરબીના મચ્છુ-2, મહિસાગરના વણાકબોરી, સુરેન્દ્રનગરના ધોળી ધજા, કચ્છના કાલાઘોઘા, જુનાગઢના ઓઝત-વીર, છોટા ઉદેપુરના સુખી, ભરૂચના ધોળીનો સમાવેશ થાય છે.

કચ્છમાં પાણીનો તોટો

કચ્છમાં સૌથી ઓછું 30.08 ટકા જળસ્તર છે. કચ્છમાંથી કૈલા, રૂદ્રમાતા, કસવતિ, માથલમાં જળસ્તર હવે 10 ટકાથી પણ નીચે છે. બરાબર એક મહિના અગાઉ એટલે કે 17 એપ્રિલના કચ્છમાં 38 ટકા જળસ્તર હતું. આમ, એક મહિનામાં જળસ્તર 8 ટકા જેટલું ઘટ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં હાલ જળસ્તર 31.46 ટકા છે. આમ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળસ્તર મામલે સ્થિતિ ચિંતાજનક છે.

મોટા જળાશયો પણ સુકાયા

મોટા જળાશયો કે જ્યાં જળસ્તર 50 ટકાથી પણ ઓછું છે તેમાં બનાસકાંઠાના સિપુ, મોરબીના મચ્છુ-2, બ્રહ્માણી, અરવલ્લીના હાથમતિ, ભાવનગરના શેત્રુંજી, મહેસાણાના ધરોઈ-કડાણા, રાજકોટના ભાદર, તાપીના ઉકાઈ અને વલસાડના દમણગંગાનો સમાવેશ થાય છે. જળસ્તરમાં મોટો ઘટાડો થયો હોવા છતાં રાજ્યને જળસંકટને સામનો નહીં કરવો પડે તેવો તંત્રનો દાવો છે. રાહતની વાત એ પણ છે કે, આ વખતે ચોમાસાની વહેલી શરૂઆત થવાની છે. તેમજ ચોમાસુ સામાન્યથી સારૂ રહેવાનો આશાવાદ પણ હવામાન વિભાગે આપ્યો છે.

Share This Article