GPSC Drug Inspector Interview: GPSCએ મોડી સાંજે અચાનક જ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરવા ઘોષણા કરી હતી કેમકે, ઈન્ટરવ્યૂ લેનારાં તજજ્ઞ અન્ય સ્થળે ખાનગીમાં કોચિંગ કલાસમાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટરના જ મોક ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં. આ બાબતે જાણ થતાં જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે હાલ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરી દીધા છે. હવે ફરીથી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધરવા નક્કી કરવામાં આવ્યુ છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં લેખિતના પ્રથમ નંબરે આવેલ ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં અન્યાયના કારણે નાપાસ થતાં ભરતી પ્રક્રિયામાં ફેરફારની માગ કરી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ એવો બચાવ કરે છે કે ચિઠ્ઠી ખેંચી અને કોડ નંબરથી ઈન્ટરવ્યૂ રૂમમાં જવાનું હોય એટલે ઉમેદવારની ઓળખ છુપાઈ જાય છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ થતાની સાથે જ એ તકહિન દલીલનો છેદ ઉડી ગયો છે.
ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપીને નાપાસ કરાયાં
પ્રોફેશનલ સંવર્ગની ભરતીમાં ઈન્ટરવ્યૂનો 50%નો ભારાંક ઘટાડી પારદર્શિતા લાવવાની માંગ કરવામાં આવી છે. કેમકે, પરીક્ષામાં નંબર મેળવ્યો હોય ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપીને નાપાસ કરાયાં છે.
ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ લેનાર તજજ્ઞ બે દિવસ પૂર્વે જ ઉમેદવારોના મોક ઇન્ટરવ્યૂ લીધા. એટલુ જ નહીં, માર્ગદર્શન પણ આપ્યું હતુ. હવે પરિણામ પર 50 % ઇન્ટરવ્યૂ ભારાંકની અસર ન થાય તેને મુદ્દાને લક્ષમાં લેતા ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં ભરતી કૌભાંડ બહાર આવે તે પહેલાં તેને હળવેકથી દબાવી દેવાય છે.
લેખિતના ટોપર ઇન્ટરવ્યૂમાં નાપાસ
કોંગ્રેસ પ્રવક્તા ડા. મનિષ દોશીએ જણાવ્યું કે, રાજ્યનાં સરકારી વિભાગો, મ્યુનીસીપલ કોપોરેશન, બોર્ડ-નિગમોમાં સીધી ભરતીના નામે 50% ઇન્ટરવ્યૂનો ભારાંક રાખીને લેખિતના ટોપરને અન્યાય કરવામાં આવે છે. બે ઉમેદવાર લેખિતમાં 300 માંથી 208.56 ગુણ મેળવીને પ્રથમ ક્રમે આવે છે પરંતુ ઇન્ટરવ્યૂમાં 100માંથી માત્ર 35 ગુણ આપીને બંનેને નાપાસ કરવામાં આવે છે.
અનામત નીતિનો ભંગ કરીને વધુ ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં બોલાવ્યા
આજ ભરતીમાં એક ઉમેદવારના લેખિતમાં 90 ગુણ છે પરંતુ ઇન્ટરવ્યૂમાં 65 ગુણ આપવામાં આવ્યા છે. અનામત નીતિનો ભંગ કરીને નિયામાનુસાર ઇન્ટરવ્યૂમા બોલાવવાના હોય તેનાથી વધુ ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં બેસવા દેવામાં આવે છે પરિણામે લેખિતમાં નબળા ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં ઓઠા હેઠળ સિલેક્ટ કરાય છે.
ઈન્ટરવ્યૂમાં પેનલ દ્વારા સરેરાશ ગુણ આપવાના બદલે ચર્ચા કરીને ઉચ્ચક ગુણ આપવામાં આવે છે. ગુજરાત દેશમાં એકમાત્ર એવું રાજ્ય કે જ્યા લેખિતના પ્રથમ નંબરે આવેલ ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં અન્યાયના કારણે નાપાસ થાય છે.
GPSC પર કુલ 407 કોર્ટ કેસ
વર્ષ 2016 થી 2022 દરમિયાન GPSC પર કુલ 407 કોર્ટ કેસ થયેલ છે અને સરકારી તિજોરીમાંથી વકીલોને 1,51,73,944 ફી ચૂકવાઇ છે. એટલુ જ નહીં, GPSCને અને રૂ.5.60 લાખનો દંડ પણ કરાયો છે.