Vikas Na Rahbar Webinar Series: ગુજરાતના સામાજિક ક્ષેત્રે નવી ક્રાંતિ, ‘વિકાસના રાહબર’ વેબિનાર-સિરીઝ દ્વારા સેવાકાર્યોને મળશે નવી ઓળખ

Arati Parmar
2 Min Read

Vikas Na Rahbar Webinar Series: ‘વિકાસના રાહબર’: સામાજિક સંસ્થાઓના પ્રદાનને જનસમાજ સુધી પહોંચાડવા માટે શરૂ થઈ રહી છે અભિનવ વેબિનાર-સિરીઝ

Vikas Na Rahbar Webinar Series: ગુજરાતના જાહેર જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપતી સ્વૈચ્છિક સંસ્થાઓના સેવાકાર્યોને હવે વ્યાપક જનસમાજ સુધી પહોંચાડવા માટે એક અભિનવ પહેલ કરવામાં આવી રહી છે. ‘ઇન્હાફ’ (INHAF) અને ‘અસાગ’ (અમદાવાદ સ્ટડી એક્શન ગ્રુપ) ના સંયુક્ત ઉપક્રમે ‘વિકાસના રાહબર’ નામની એક સાપ્તાહિક વેબિનાર-સિરીઝનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ સિરીઝનો ઉદ્દેશ્ય સંસ્થાઓના મોભીઓ, તેમના નોંધપાત્ર સામાજિક કાર્યો અને તેમના પ્રદાનને લોકો સમક્ષ રજૂ કરવાનો તેમજ સામાજિક ક્ષેત્રમાં જાગૃતિ લાવવાનો છે.

- Advertisement -

આ વેબિનાર-સિરીઝનો ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ આવતીકાલે ૭ જુલાઈ ૨૦૨૬, મંગળવારના રોજ ઝૂમ (Zoom) એપના માધ્યમથી ઓનલાઇન યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા મુજબ રાત્રે ૮:૩૦ થી ૮:૪૫ દરમિયાન ઉદઘાટન સત્ર યોજાશે, ત્યારબાદ તરત જ રાત્રે ૮:૪૫ થી ૯:૪૫ દરમિયાન પ્રથમ વેબિનાર યોજવામાં આવશે. આ વેબિનાર સિરીઝ દર મંગળવારે રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ (પ્રથમ દિવસ સિવાય) દરમિયાન નિયમિતપણે ચાલુ રહેશે.

આ વેબિનાર-સિરીઝમાં પ્રાસંગિક ઉદબોધન માટે જાણીતા તજજ્ઞો ઉપસ્થિત રહેશે, જેમાં ‘ઇન્હાફ’ના પ્રમુખ અને ‘અસાગ’ના સ્થાપક ટ્રસ્ટી શ્રી કિર્તીભાઈ શાહ, હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના સ્થાપક અને એમિરિટસ ચેરપર્સન ડૉ. ભરતભાઈ ભગત તેમજ આગા ખાન ફાઉન્ડેશનના ગ્લોબલ લીડ શ્રી અપૂર્વભાઈ ઓઝાનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.

- Advertisement -

ડૉ. ભરતભાઈ ભગત દ્વારા સેવાકર્મીઓની ઓળખ કરાવવાના કરવામાં આવેલા ભગીરથ કાર્યને આગળ ધપાવતા, આ પ્લેટફોર્મ મારફતે વિવિધ સંસ્થાઓના કર્મશીલો સાથે સંવાદ રચાશે. આ અંગે શ્રી કિર્તીભાઈ શાહએ જણાવ્યું હતું કે, “આ સિરીઝથી સંસ્થાઓની ભૂમિકા અને અસરોની જાણકારી લોકો સુધી પહોંચશે. આ સંવાદથી વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને સામાજિક ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની નવી તકો પણ મળી શકશે.”

આ પહેલ પાછળનો મુખ્ય આશય સજ્જનોની ભાગીદારી વધારવાનો અને જરૂરિયાત-આધારિત વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આયોજકોનું લક્ષ્ય છે કે આ સિરીઝના માધ્યમથી ૨૦૦થી વધુ સંસ્થાઓના પ્રદાનને જનસમાજ સુધી પહોંચાડવામાં આવે. સામાજિક વિકાસમાં રસ ધરાવતા તમામ નાગરિકોને આ ઓનલાઇન ઉદઘાટન કાર્યક્રમ અને ત્યારબાદના વેબિનારોમાં જોડાવા માટે આગ્રહભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

- Advertisement -
Share This Article