Kris Gopalakrishnan: ઈન્ફોસિસના કૉ-ફાઉન્ડર એસ. કે. ગોપાલકૃષ્ણન અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ સાઇન્સના પૂર્વ ડિરેક્ટર બાલારામ સહિત 18 લોકો સામે એસસી-એસટી એક્ટ હેઠળ બેંગલુરૂના સદાશિવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. શહેરની સેશન કોર્ટના આદેશ પર દાખલ કરવામાં આવેલી FIR માં એક શખસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેને હનીટ્રેપમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો અને બાદમાં આ કારણ આપી ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ સાઇન્સની નોકરીમાંથી કાઢી મૂક્યો. ગોપાલકૃષ્ણન આ સંસ્થામાં બોર્ડ ઑફ ટ્રસ્ટીઝના મેમ્બર રહ્યા છે. ફરિયાદ કરનાર દુર્ગપ્પા બોવી આદિવાસી સંપ્રદાયમાંથી આવે છે. દુર્ગપ્પાનું કહેવું છે કે, તે IIS ના સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેક્નોલોજીમાં ફેકલ્ટી મેમ્બર હતાં.
દુર્ગપ્પાનો દાવો છે કે, ‘2014માં મને ખોટી રીતે હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો અને બાદમાં તેના બહાને નોકરીમાંથી કાઢી દેવાયો. મને જાતિગત ગાળો આપી ધમકાવવામાં આવ્યો હતો.’ આ કેસમાં ગોવિંદન રંગરાજન, શ્રીધર વોરિયર, સંધ્યા વિશ્વવરૈયા, હરિ કેવીએસ, દાસપ્પા, બલરામ પી, હેમલતા મહીસી, કે. ચટ્ટોપાધ્યાય અને પ્રદીપ ડી. સાવરકર સામેલ છે. અત્યાર સુધી આ મામલે FIR અથવા ગોપાલકૃષ્ણનની તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું. માનવામાં આવી રહ્યું છે કે, આ મામલે પોલીસ તરફથી એવા લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે, જેના નામ એફઆઈઆરમાં દાખલ છે.
ગોપાલકૃષ્ણનનું ઇન્ફોસિસ સાથે શું છે કનેક્શન?
નારાયણમૂર્તિના નેતૃત્વવાળી કંપની ઈન્ફોસિસમાં ગોપાલકૃષ્ણન 2011 થી 2014 સુધી વાઇસ ચેરમેન રહી ચુક્યા છે. આ સિવાય 2007 થી 2011 સુધી તે સીઈઓ અને એમડી પણ હતાં. તે કંપનીના સહ-સંસ્થાપકોમાંથી એક રહ્યા છે અને આઈટી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. 2013-14 માં તો તે ઉદ્યોગ જગતની મોટી સંસ્થા ફનફેડરેશન ઑફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ તરીકે પસંદ કરાયા હતાં. આ સિવાય 2014માં દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કારોબારી સમુદાયનું નેતૃત્વ કર્યું હતું. તેઓને 2011 માં ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી ધરાવનાર ગોપાલકૃષ્ણનની ઘણાં દાયકાની કારકિર્દી છે અને તેમનું આવા કેસમાં નામ આવવું તે ચિંતા વધારનારૂં છે. જોકે, તેઓ આ મામલે કોઈ મુખ્ય આરોપી નથી.

