PE VC Investment India: ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો પીઈ-વીસી ઈન્વેસ્ટમેન્ટ, આઈટી અને ઉપભોગ ક્ષેત્રે વધ્યું આકર્ષણ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

PE VC Investment India: વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં  દેશમાં ૨૬ અબજ ડોલર સાથે પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) અને વેન્ચર કેપિટલ (વીસી) ઈન્વેસ્ટમેન્ટનો આંક ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. પીઈ તથા વીસીનો વર્તમાન રોકાણ પ્રવાહ ભારતની આર્થિક સ્થિતિ પર વૈશ્વિક રોકાણકારોને વિશ્વાસ હોવાના સંકેત આપે છે. બીજી બાજુ ઈન્વેસ્ટમેન્ટ પાછુ ખેંચવાની ગતિ ધીમી પડી છે. સારા ચોમાસાને પગલે  મજબૂત કૃષિ ઉત્પાદન તથા તહેવારોની મોસમ દરમિયાન ઉપભોગ માગમાં વધારાને પરિણામે દેશના વિવિધ ક્ષેત્રોમાં મૂડીની ઠાલવણી માટે વાતાવરણ સાનુકૂળ બન્યું હોવાનંડ એક રિપોર્ટમાં આવ્યું હતું.

વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ નવ મહિનામાં પીઈ તથા વીસી ઈન્વેસ્ટમેન્ટ ૨૦૨૩ તથા ૨૦૨૪ના  સંપૂર્ણ વર્ષ દરમિયાનના આંકને વટાવી ગયું છે.

- Advertisement -

સંપૂર્ણ ૨૦૨૪ના વર્ષમાં થયેલા કુલ ૧૧૭૦ પીઈ તથા વીસી સોદાની સરખામણીએ વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં જ સોદાની સંખ્યા વધી ૧૩૬૩ રહી છે. જે ભારતમાં આકર્ષણ વધી રહ્યાનું  સૂચવે છે.

૨૦૨૪માં એક કરોડ ડોલરથી નીચેની કદના સોદાનો હિસ્સો કુલ સોદામાં જે ૪૭ ટકા રહ્યો હતો તે વર્તમાન વર્ષમાં ઘટી ૪૦ ટકા જોવા મળી રહ્યો છે જ્યારે મધ્ય કદના સોદા એટલે કે ૧ થી ૨.૫૦ કરોડની રેન્જના સોદાનો હિસ્સો જે ૨૦૨૪માં કુલ સોદામાં ૨૧ ટકા હતો તે વર્તમાન વર્ષમાં વધી ૩૧ ટકા રહ્યો હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.

આમ સોદાના હિસ્સામાં ફેરબદલને કારણે એક સોદાનું સરેરાશ મૂલ્ય વધી ૩.૬૬ કરોડ ડોલર જોવા મળી રહ્યું છે જે ૨૦૨૪માં ૩.૪૪ કરોડ ડોલર હતું.

દેશમાં પીઈ તથા વીસી ઈન્વેસ્ટમેન્ટ વધુ પડતું ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) તથા ઉપભોગ માટે આવશ્યક પદાર્થોનું ઉત્પાદન કરતી કંપનીઓમાં જોવા મળ્યું છે. કુલ પીઈ-વીસી રોકાણમાં આઈટી ક્ષેત્રનો હિસ્સો જે ૨૦૨૪માં ૨૩ ટકા હતો તે ૨૦૨૫માં વધી ૩૫ ટકા પર આવી ગયો છે.

ડિજિટલ માળખા તથા એઆઈ સંબંધિત બિઝનેસ સોલ્યુશન્સ માટે મજબૂત માગને કારણે આઈટી ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટ આકર્ષણ વધ્યુ છે.

ઉપભોગ પદાર્થોને લગતા ક્ષેત્રમાં કુલ રોકાણ મૂલ્યનો હિસ્સો જે ૨૦૨૪માં ૪ ટકા રહ્યો હતો તે ૨૦૨૫માં વધી ૧૩ ટકા પહોંચી ગયો છે. ઉપભોગમાં વૃદ્ધિ, ગ્રામ્ય રિકવરી તથા તહેવારોની મોસમ દરમિયાનના ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખી રોકાણકારો કન્ઝયૂમર સ્ટેપલ્સ ક્ષેત્રમાં રોકાણ વધારી રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.

બીજી બાજુ નાણાંકીય તથા આરોગ્યસંભાળ ક્ષેત્રમાં પીઈ તથા વીસી ઈન્વેસ્ટમેન્ટનો ફલો ૨૦૨૪ની સરખામણીએ ધીમો પડી રહ્યો છે. નાણાંકીય ક્ષેત્રમાં હિસ્સો ૧૮ ટકા પરથી ઘટી ૧૧ ટકા અને આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ૧૯ ટકા પરથી ઘટી સાત ટકા પર આવી ગયો છે.

Share This Article