DII equity inflow 2025: ૨૦૦૭થી જ્યારથી બીએસઈ દ્વારા ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોના રોકાણ ડેટા જાળવવાનું શરૂ કરાયું છે ત્યારથી ૧૮ વર્ષના ગાળામાં ૨૦૨૫માં પહેલી જ વખત ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો ઈક્વિટી સેગમેન્ટમાં નેટ ફલો રૂપિયા ૬ લાખ કરોડને પાર કરી ગયો છે. કોઈ એક કેલેન્ડર વર્ષમાં ડીઆઈઆઈનું આ સૌથી વધુ ઈક્વિટી રોકાણ રહ્યું છે એમ પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.
૨૦૨૪ના કેલેન્ડર વર્ષમાં ડીઆઈઆઈ દ્વારા ભારતીય બજારમાં રૂપિયા ૫.૨૬ લાખ કરોડ ઠલવાયા હતા. ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોમાં બેન્કો, મ્યુચ્યુઅલ ફન્ડસ, વીમા કંપનીઓ, પેન્શન સ્કીમ્સનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
બજારમાં નરમાઈની સ્થિતિમાં પણ ફન્ડ હાઉસોની ઈક્વિટી સ્કીમમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફત નાણાંનો પ્રવાહ જળવાઈ રહેતા બજારમાં સંસ્થાકીય રોકાણની ગતિ જળવાઈ રહી છે.
વૈશ્વિક આંચકા નહીં આવે તો ૨૦૨૬માં ડીઆઈઆઈનો ફલો ૨૦૨૫ કરતા પણ વધી જવાની એક એનાલિસ્ટે શકયતા વ્યકત કરી હતી.
એક તરફ ડીઆઈઆઈની લેવાલી જ્યારે બીજી તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)એ વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં રૂપિયા ૨.૦૩લાખ કરોડ પાછા ખેંચી લીધા છે. જો કે તેમણે પ્રાઈમરી માર્કેટ મારફત ઈક્વિટીસમાં રૂપિયા ૫૦,૦૦૦ કરોડ જેટલા ઠાલવ્યા છે. એફઆઈઆઈ માટે હાલમાં અમેરિકા, ચીન, બ્રાઝિલ તથા જર્મની આકર્ષક મથકો બની રહ્યા છે. આ બજારોમાં એફઆઈઆઈના સારા વળતર મળી રહ્યા છે. આની સામે જાપાન, ભારત, વિયેતનામ તથા દક્ષિણ કોરિઆમાંથી વિદેશી રોકાણકારો પીછેહઠ કરી રહ્યા હોવાનું પણ એનાલિસ્ટે વધુમાં જણાવ્યું હતું.
જ્યારે જ્યારે પણ ભારતીય બજારમાં કડાકો બોલાઈ જાય છે અથવા પ્રમાણમાં નરમ હોય છે ત્યારે ડીઆઈઆઈ આક્રમક ખરીદી કરવાનો વ્યૂહ રાખે છે. ભારતીય બજારમાં ડીઆઈઆઈ તથા એફઆઈઆઈના મોટાભાગે સામસામા રાહ જોવા મળે છે. એક વેચે છે તો બીજા ખરીદે છે.
વિદેશી રોકાણકારોની મોટી વેચવાલીના સમયે ડીઆઈઆઈની લેવાલી દેશની બજારોનું માનસ ખરડાતું અટકાવે છે. છેલ્લા એક વર્ષમાં ડીઆઈઆઈનું ધ્યાન મુખ્યત્વે બીએફએસઆઈ, કેપિટલ ગુડસ, હેલ્થકેર અને ઓટો ક્ષેત્રના શેરોમાં રહેલું હોવાનું અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું.
સતત ઈન્ફલોસને કારણે મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસોની એકંદર ઈક્વિટી એયુએમ રૂપિયા ૪૯ લાખ કરોડને વટાવી ગઈ છે.