US 25% tariff impact on Indian exports: ૭ ઓગસ્ટથી ભારતની યુએસમાં નિકાસ પર ૨૫% ટેરિફ લાદવાથી રેડીમેડ ગાર્મેન્ટ, ટેક્સટાઇલ, ડ્રગ ફોર્મ્યુલેશન, ઓટો પાર્ટ્સ, રત્નો અને ઝવેરાત અને દરિયાઈ ઉત્પાદનો જેવા શ્રમ-સઘન ક્ષેત્રોને સૌથી વધુ પ્રતિકુળ અસર થઈ છે. વાણિજ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અલગ ડેટામાં આ પ્રતિકુળતા પ્રતિબિંબિત થાય છે.
ઓગસ્ટમાં, મોતી અને કિંમતી પથ્થરોની નિકાસમાં ૫૪.૨%નો ઘટાડો થયો છે, જ્યારે દરિયાઈ ઉત્પાદનોની નિકાસમાં ૩૩%નો ઘટાડો થયો છે, અને સોના અને અન્ય કિંમતી ધાતુના ઘરેણાંમાં ૧૮.૬%નો ઘટાડો થયો છે. વધુમાં, ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં, રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં ૧૩.૨%, કોટન ટેક્સટાઇલમાં ૧૦.૧%, ડ્રગ ફોર્મ્યુલેશનમાં ૭% અને ઓટો પાર્ટ્સમાં ૬.૬%નો ઘટાડો થયો છે.
ભારતની કુલ રેડીમેડ ગાર્મેન્ટ નિકાસમાં અમેરિકાનો હિસ્સો ૩૪% અને સુતરાઉ કાપડનો ૩૯% હિસ્સો છે. તેવી જ રીતે, કિંમતી પથ્થરોમાં ૩૭% અને સોનાના દાગીનામાં અમેરિકાનો હિસ્સો ૨૮% છે. વધુમાં, ૩૬% દરિયાઈ ઉત્પાદનો, ૪૦% દવાના ફોર્મ્યુલેશન અને ૨૨% ઓટો ઘટકો અમેરિકામાં નિકાસ થાય છે.
રશિયા પાસેથી તેલ ખરીદીને કારણે અમેરિકાએ ભારતીય નિકાસ પર ૨૫% વધારાની ડયુટી લાદી હતી, જે ૨૭ ઓગસ્ટથી અમલમાં આવી હતી. આનાથી અમેરિકામાં ભારતીય નિકાસ પર કુલ ડયુટી વધીને ૫૦% થઈ ગઈ છે.ઓગસ્ટમાં ભારતની અમેરિકામાં કુલ નિકાસ ૭.૧૫% વધી હતી, જે જુલાઈમાં ૨૭.૯% વૃદ્ધિ કરતાં નોંધપાત્ર રીતે ઓછી છે. ટેલિકોમ્યુનિકેશન સાધનોની નિકાસ અમેરિકામાં કુલ નિકાસમાં ૧૪૦.૧%નો વધારો દર્શાવે છે.
અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ સ્થળ છે, જે દેશના કુલ નિકાસના આશરે ૨૦% હિસ્સો ધરાવે છે. નિકાસમાં વૈવિધ્યીકરણ કરવાના પ્રયાસો છતાં, છેલ્લા ૧૪ વર્ષમાં ભારતની અમેરિકા પર નિર્ભરતા વધી છે.