India Trade Deficit September: સોના અને ચાંદીની આયાતમાં વધારો થવાને કારણે સપ્ટેમ્બરમાં ભારતની વેપાર ખાધ ૧૩ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે. અમેરિકા ખાતે નિકાસમાં લગભગ ૧૨ ટકાનો ઘટાડો થયો હોવા છતાં, એકંદર નિકાસ મજબૂત રહીછે.
વાણિજ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, સપ્ટેમ્બરમાં વેપારી માલની નિકાસ ૬.૭ ટકા વધીને ૩૬.૩૮ અબજ ડોલર થઈ હતી. જોકે, આયાત પણ ૧૬.૭ ટકા વધીને ૬૮.૫૩ અબજ ડોલર થઈ છે, જેના કારણે વેપાર ખાધ ૩૨.૧૫ અબજ ડોલર થઈ જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૨૪.૬૫ અબજ ડોલર હતી.
સેવાઓ નિકાસના આંકડા આશ્ચર્યજનક હતા. સપ્ટેમ્બરમાં, સેવાઓની નિકાસ ૫.૪૬ ટકા ઘટીને ૩૦.૮૨ બિલિયન ડોલર થઈ, જ્યારે સેવાની આયાત પણ ૭.૫૫ ટકા ઘટીને ૧૫.૨૯ બિલિયન ડોલર થઈ છે. આના પરિણામે સેવાઓનો સરપ્લસ ૧૫.૫૩ બિલિયન ડોલર થયો હતો.
વાણિજ્ય વિભાગે સ્પષ્ટતા કરી કે સપ્ટેમ્બરના સેવાઓના વેપારના આંકડા અંદાજિત છે અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા ડેટા જાહેર કર્યા પછી તેમાં સુધારો કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં સોનાની આયાત ૧૦૭ ટકા વધીને ૯.૬ બિલિયન ડોલર થઈ, જ્યારે ચાંદીની આયાત ૧૩૯ ટકા વધીને ૧.૩ બિલિયન ડોલર થઈ હતી.
ખાતરની આયાત ૨૦૨ ટકા વધીને ૨.૩૬ બિલિયન ડોલર થઈ, અને ઇલેક્ટ્રોનિક્સ આયાત ૧૫ ટકા વધીને ૯.૮૨ બિલિયન ડોલર થઈ હતી.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં, દેશમાંથી વેપારી માલની નિકાસ વધીને ૨૨૦.૧૨ બિલિયન ડોલર થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૨૧૩.૬૮ બિલિયન ડોલર હતી.
સપ્ટેમ્બરમાં સોનાની આયાતમાં વધારો થયો હોવા છતાં, એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કુલ આયાત વોલ્યુમની દ્રષ્ટિએ એક વર્ષ અગાઉની સરખામણીમાં ૮.૭ ટકા ઘટી હતી. વાણિજ્ય વિભાગ આ વધારાના કારણોનું નજીકથી મૂલ્યાંકન કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે સોનાની આયાતમાં આ ઉછાળો તહેવારોની મોસમને કારણે હોઈ શકે છે.