લોકસભાની ચૂંટણીનાં પરિણામ જેવી ઇંતેજારી આગામી બજેટની છે. ઢગલાબંધ વિકાસ અને જનકલ્યાણની યોજનાઓનો લાભ મળ્યા છતાં ચૂંટણીમાં ભાજપને એટલા પ્રમાણમાં લાભ થયો નહીં. ધર્મવાદ સામે જાતિવાદ અને વિકાસ સામે બેકારીનો મુદ્દો સફળ થયો. હવે ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી છે, તેમાં ભાજપ લોકસભાની ખોટ સરભર કરવાના પ્રયાસ કરશે.
આ માટે મધ્યમ વર્ગને રાહત અને વ્યાપાર ઉદ્યોગને પ્રોત્સાહન અપાશે. (મહારાષ્ટ્રનું બજેટ કેન્દ્રીય બજેટ પહેલાં છડી પોકારે છે. હવે ભાજપશાસિત અન્ય રાજ્યોમાં પણ આવી આર્થિક સહાયની યોજનાઓ જાહેર થશે અને પછી વિપક્ષશાસિત રાજ્યો પણ સ્પર્ધામાં ઊતરશે. યુવા ભારતમાં બેકારીનો પડકાર છે, તેને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્ય સરકારો હવે એકમેકના પૂરક બની રહ્યા છે.) કર્ણાટકની સરકારે તો ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં પચાસ ટકા આરક્ષણ સ્થાનિક લોકો માટે રાખવાની ઉતાવળે જાહેરાત કરી, પણ તેનો અમલ અનિશ્ચિત છે. ભૂતકાળમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને હરિયાણાએ આવી જાહેરાતો કરી હતી, પણ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે નામંજૂર કરી હતી. કેન્દ્ર સરકારના બજેટ ઉપરાંત હવે પ્રદેશવાદનાં કારણે રાજ્ય સરકારો અલગ રહીને વોટ મેળવવાના પ્રયાસ કરે છે. બેકાર વર્ગને નાણાકીય રાહત આપવાની જાહેરાત થઈ છે – તે કામચલાઉ છે – રાહત – કહો કે રેવડી કહો તેનાથી કાયમી કલ્યાણ થાય નહીં બેકારી પેન્શન ગણાશે. મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ યુવાનો અને મહિલાઓને રાજી રાખવા માટેના નિર્ણય જાહેર કર્યા છે. `લાડકી બહિણ’ યોજના હેઠળ જરૂરિયાતવાળી બહેનોને માસિક $ 1500 આપવામાં આવશે. બજેટની જોગવાઈ મુજબ પરિણીત, છૂટાછેડા થયા હોય અને વિધવા હોય – તેમને પરિવારની વાર્ષિક આવક અઢી લાખથી ઓછી હોય એમને આવી આર્થિક સહાય મળશે. દરેક પરિવારમાંથી આવી એક મહિલા – જેનાં લગ્ન થયાં હોય નહીં – વય 25થી 65 વર્ષની હોય તેને આ લાભ મળી શકશે. મહારાષ્ટ્રનાં બજેટમાં આ માટે કુલ $ 46,000 કરોડ ફાળવાયા છે.

નોંધપાત્ર બાબત એ છે કે, બજેટ જાહેર થયાં પછી બે જ મહિનામાં 44 લાખ ઓનલાઇન અરજીઓ મળી છે. લાડકા ભાઉ (ભાઈ) માટે પણ આર્થિક સહાયની જાહેરાત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કરી છે. બારમા ધોરણ સુધી ભણેલા યુવાનને માસિક રૂા. છ હજાર અને આઈટીઆઈ ડિપ્લોમાધારકને આઠ હજાર, પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનોને બાર હજાર રૂપિયા છ મહિના સુધી મળશે. યુવાનોને તાલીમ આપવાની જાહેરાત થઈ છે. શિક્ષિત છતાં બેકાર હોય તેવા 18 વર્ષથી 35 વર્ષ સુધીના યુવાનોને માસિક આટલી રકમ અપાશે. આ ઇન્ટર્નશિપ એલાઉન્સ માટે $ 10 હજાર કરોડ ફાળવાયા છે.
કેન્દ્રીય બજેટમાં યુવાનો, મહિલાઓ અને કિસાનો માટે રાહતદાયક યોજનાઓ હશે જ. આગામી ચાર મહિનામાં આ રાહત – પ્રોત્સાહનની યોજનાઓની અસર દેખાશે એવી ધારણા છે. મહારાષ્ટ્રનું સ્થાન સૌથી વધુ મહત્ત્વનું છે. તેથી એકનાથ શિંદે સરકારે લાડકી બહિણ અને હવે લાડકા ભાઉને રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. વાસ્તવમાં વિકાસ – કલ્યાણ યોજનાઓ અમલમાં મુકાયા પછી લાભાર્થીઓની સંખ્યા ગણવી આસાન નથી, જ્યારે રોકડ સહાય અપાય તે `તરતદાન મહાપુણ્ય’ જેવું બની શકે છે. મધ્યપ્રદેશમાં `લાડલી બહેના’ સફળ થયા પછી મહારાષ્ટ્ર અને અન્ય ભાજપશાસિત રાજ્યોમાં તેનો અમલ થશે. સત્તામાં હોય તે પક્ષ માટે આવી યોજનાઓનો અમલ આસાન હોય અને પરિણામના પુરાવા નજર સમક્ષ હોય જ્યારે વિપક્ષ તો માત્ર જાહેરાત કરી શકે – દસ કા બારહ હજાર ! મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવશે તે વિશે બે-મત નથી. વિશેષ કરીને વ્યક્તિગત આવકવેરામાં ગણનાપાત્ર રાહત અપાય અને શહેરી વિસ્તારોમાં રોજગાર આપી શકાય એવી આવાસ નિર્માણ યોજનાઓ ઝડપી બનાવાશે.
ખાનગી મૂડીરોકાણ રિઅલ એસ્ટેટમાં વધુ આકર્ષાશે. વ્યક્તિગત આવકવેરો ભરનારને સ્ટાન્ડર્ડ ડીડક્શન અપાય છે, તેમાં 25થી પચાસ હજારનો વધારો થવાની આશા છે. આવકવેરાની નવી યોજના હેઠળ $ સાત લાખની આવક ઉપર સ્ટાન્ડર્ડ ડીડક્શન 50 હજાર રૂપિયા મળે તો વાર્ષિક આઠ લાખની આવક ઉપર વેરો ભરવાની જરૂર નહીં રહે. પગારદાર વર્ગ અને પેન્શનધારકોને રાહત આપવાની આવશ્યકતા વડાપ્રધાને જાહેરમાં પણ જણાવી છે. મધ્યમ વર્ગની વ્યક્તિ નિવૃત્ત થયા પછી પારિવારિક જવાબદારી ઓછી થવાને બદલે વધે છે. યુવાવર્ગની આવક પૂરતી નહીં હોવાથી બાળકોનાં શિક્ષણની જવાબદારી વડીલો ઉપર હોય છે અને નિવૃત્ત થયા પછી સામાન્ય રીતે બચતની રકમ જાહેર ક્ષેત્રની બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકવામાં આવે છે, પણ વ્યાજના દર લગભગ યથાવત્ રહ્યા છે. આથી વધુ વ્યાજદર અપાય અને આવી ડિપોઝિટ ઉપર વ્યાજની આવક હોય તેના ઉપર કોઈ ટેક્સ નહીં હોવો જોઈએ. બચત યોજનાઓનું વ્યાજ વેરામુક્ત બને તો રાહત મળી શકે. સિનિયર નાગરિકોને થોડું વધુ વ્યાજ મળે છે, પણ તેમાં કોઈ વધારો થયો નથી. ઊલટું – બેન્કો પણ વ્યાજનો દર ઘટાડી રહી છે. શેરબજારનું આકર્ષણ કાયમી હોય છે, પણ નિવૃત્તિ પછી પૂરો વિચાર – અભ્યાસ કરીને શેરબજાર ભણી વળવું જોઈએ. `કેવાયસી’ હવે ફરજિયાત હોવા છતાં બેન્કોમાં આશરે $ 80 હજાર કરોડ `નધણિયાત’ પડયા હોવાનો અંદાજ છે.
આ વિષયમાં નાણાખાતાંએ કાનૂની સહાય લઈને નિર્ણય લેવા જોઈએ. વર્ષ 2014થી ડિપોઝિટર એજ્યુકેશન અવેરનેસ ફંડની શરૂઆત થઈ છે તેમાં `નધણિયાતી’ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. વર્ષ 1961થી ડિપોઝિટ ઇન્સ્યોરન્સ સ્કીમ અમલમાં છે, પણ તેની મર્યાદા છે. પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડમાં પણ 1.5 લાખની મર્યાદા બાંધવામાં આવી છે, વર્ષોથી યથાવત્ છે તે વધારીને બે લાખ કરવી જોઈએ. નાગરિકોની સ્વાસ્થ્ય સેવા માટે વીમા યોજના અમલમાં છે તે વિસ્તારવાની દિશામાં નાણાપ્રધાન જાહેરાત કરે એવી અપેક્ષા છે. યુવાવર્ગને રેવડી – રોકડ સહાય ઉપરાંત રેગ્યુલર આવક હોવી જોઈએ. બેકારીની સમસ્યા મોટો પડકાર છે અને તેમાંથી શિક્ષણ અને નોકરીમાં `ક્વોટા – આરક્ષણ’નો વિવાદ શરૂ થાય છે. મહારાષ્ટ્રમાં આ વિવાદ ગંભીર છે.
રોકડ સહાયથી સંતોષ થાય એમ નથી અને આરક્ષણની પણ મર્યાદા છે. આ વિષય હવે ચૂંટણીનો મુદ્દો બન્યો છે. વધુમાં વિપક્ષો હવે જાતિવાદના આધારે વસ્તીગણતરી કરવાની હિમાયત કરે છે, તેનાં પરિણામ પણ ગંભીર હશે. ભારતમાં ક્વોટા રિઝર્વેશનની માગણી અને આંદોલન થાય છે તેવી રીતે હવે બાંગલાદેશમાં પણ બેકારીનો મુદ્દો રાજકારણનાં કેન્દ્રમાં છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આ વર્ષે 4.67 કરોડ લોકોને સર્વિસ મળી છે. વર્ષ 2012થી અત્યાર સુધી સરેરાશ વાર્ષિક 88 લાખ લોકોને રોજગારી મળી રહી છે, પણ ભારત આજે `યુવા ભારત’ છે. યુવાવર્ગમાં વધારો થઈ રહ્યો છે તેથી વ્યાપાર – ઉદ્યોગમાં રોજગારી વધે એવાં પગલાં અનિવાર્ય છે. હવે ઉદ્યોગોને વેરામાં રાહત આપીને રોજગારી વધે તે માટે પ્રોત્સાહન આપવાનાં કેવાં પગલાં જાહેર થાય છે તે જોવાનું છે. જીએસટીનો મુદ્દો લોકસભાની ચૂંટણી વખતે ચગાવાયો હતો. જીએસટીના દર અને માળખાંની ફેરવિચારણા કરીને સુધારા કરવાની માગણી થઈ રહી છે. પ્રધાનોના એક ગ્રુપ – સમિતિ દ્વારા જૂન, 2022માં વચગાળાનો રિપોર્ટ આપવામાં આવ્યો તે અનુસાર જુલાઈ 2022માં સુધારા કરવામાં આવ્યા હતા. આ વર્ષે ફરીથી ફેબ્રુઆરીમાં પ્રધાનોના ગ્રુપની નિમણૂક થઈ છે. તેના કન્વીનર બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી છે અને ઉત્તરપ્રદેશ, ગોવા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને કેરળના પ્રધાનો સમિતિમાં છે. હવે માળખામાં સુધારા ક્યારે થાય છે તે જોવાનું છે. મધ્યમ અને નાના ઉદ્યોગો સમક્ષ 45 દિવસની અંદર ચૂકવણી કરવાની જોગવાઈ વ્યવહારુ નથી એવી રજૂઆત થઈ છે. ઘણા વિસ્તારોમાં પેમેન્ટ માટે 60થી 90 દિવસની વ્યવસ્થા છે તે સ્વીકારવી જોઈએ. ઉઘરાણી થાય, પછી ચૂકવણી થઈ શકે. નાણાપ્રધાન સીતારામને બજેટ – પૂર્વની ચર્ચા-વિચારણામાં વ્યાપાર ઉદ્યોગના પ્રતિનિધિઓના મંતવ્ય જાણ્યા હતા અને નાના – મધ્યમ ક્ષેત્રની રજૂઆતને લક્ષમાં રાખી છે, પણ ફાઇનાન્સ બિલ-ખરડામાં આ અંગેની જોગવાઈ સમાવિષ્ટ હતી – તેથી જે સુધારા થાય તે નાણાં ખરડામાં કરવાના રહેશે. 2023-24ના નાણાકીય વર્ષમાં અમલ શરૂ થયો, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ અને નાના-મધ્યમ ઉદ્યોગપતિઓ બહુ મોડા જાગ્યા એમ નાણાખાતાંના અધિકારીઓનું કહેવું છે. – ભાવવધારો : આવશ્યક ચીજવસ્તુઓનો ભાવવધારો મધ્યમ અને ગરીબ વર્ગને અકળાવે છે.
મોસમ, મેઘરાજા ઉપરાંત કિસાન-આંદોલન ભાગ ભજવે છે, ત્યારે મોદી સરકાર વિનામૂલ્યે અનાજની વહેંચણી કરી રહી છે. કાંદાથી લઈને ઘઉં – ચોખાની નિકાસ નિયંત્રિત કરી છે. ભાવવધારો કાયમી સમસ્યા છે. વર્ષ 1974માં ઇન્દિરા ગાંધી સરકારે આવકવેરો ભરનારા વર્ગ ઉપર ફરજિયાત – કમ્પ્લસરી ડિપોઝિટની યોજના – રાષ્ટ્રપતિના વટહુકમ સ્વરૂપે જાહેર કરી હતી. તેનો ભારે વિરોધ થયો હતો. વાય. બી. ચવ્હાણ નાણાપ્રધાન હતા. મહિનાની આવક 15 હજારથી 25 હજાર સુધીની હોય તેમને આવકના ચાર ટકા રકમ ફરજિયાત જમા કરાવવી પડતી. ઇમર્જન્સી હોવા છતાં ભાવવધારો રોકી શકાયો નહીં હવે નાણાપ્રધાનની બજેટ દરખાસ્તોને વિપક્ષી નેતાઓ ચૂંટણીલક્ષી હોવાનું કહીને ટીકા કરશે. વાસ્તવમાં બજેટ ચૂંટણી – અર્થાત્ જનકલ્યાણલક્ષી હોય તેનું આશ્ચર્ય નથી. હવે બજેટની સમીક્ષા – કેટલા કરોડના વેરા નાખવામાં આવ્યા તેના આધારે નહીં, પણ જનકલ્યાણ – લોકોનાં હિત અને દેશના વિકાસના આધારે થાય છે.
લોકસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, હરિયાણામાં નવી લોકપ્રિય યોજનાઓ જાહેર થઈ છે. મહારાષ્ટ્રનાં બજેટમાં મહિલાઓને પ્રતિ માસ $ 1500, વર્ષમાં ત્રણ ગેસ સિલિન્ડર વિનામૂલ્યે, કૃષિ માટે વપરાતા પમ્પને 7.5 હો.પા. સુધી વિનામૂલ્યે વીજળી. કાંદાના ઉત્પાદકો – કિસાનોને ક્વિન્ટલદીઠ 350 રૂપિયા સબસિડી, દૂધ ઉત્પાદકોને લિટરદીઠ પાંચ રૂપિયાની સબસિડી, કપાસ અને સોયાબિનના ઉત્પાદકોને એકરદીઠ 5000 બોનસ અપાશે. આ ઉપરાંત, લાડકી બહિણ અને `ભાઈ-ભાઉ’ની જોગવાઈ અલગ. રાજ્યનાં બજેટમાં જનતાને રાહતરૂપ યોજનાઓ માટે $ 80,000 કરોડ ફાળવાયા છે. આ યોજનાઓ ચૂંટણીના ચાર મહિના આગોતરી જાહેર થઈ છે. બજેટમાં જોગવાઈ છે. હવે તેની અસર, પ્રભાવ મતદાન ઉપર કેવો પડે છે તે જોવાનું છે – લોકસભાની ચૂંટણી દરમિયાન રેવડી – રોકડ જાહેર થઈ. મોદી સરકારે છેલ્લાં 10 વર્ષમાં ઘણી રાહત યોજનાઓ અમલમાં મૂકી છે. રાંધણગેસ, નળમાં જળ, આયુષ-વીમા યોજના વગેરે છતાં `લાભાર્થીઓ’એ જાતિ અને ધર્મવાદને વોટ આપ્યા છે. વિકાસ અને જનકલ્યાણની અવગણના કરી છે.

