Bharuch Drought Crisis: વરસાદની લાંબી ખેંચથી ખેડૂતોની મહેનત દાવ પર; નહેરના પાણી વગરના વિસ્તારોમાં ઊભા પાક સુકાવાની ભીતિ, ખેતીને દુષ્કાળનું સંકટ
ભરૂચ:
ભરૂચ જિલ્લામાં વર્તમાનનું વર્ષ ૨૦૨૬ ચોમાસું ખેતી માટે સૌથી ચિંતાજનક બની રહ્યું છે. પ્રશાંત મહાસાગરમાં વિકસેલા “સુપર અલ નીનો”ના પ્રભાવથી ગુજરાત સહિત દેશના મોટા ભાગમાં ચોમાસું નબળું પડ્યું છે. ભારતીય હવામાન વિભાગે પણ ઓગસ્ટ પછી સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી કરી છે, જેના કારણે કપાસ, તુવેર અને અન્ય ખરીફ પાકો પાણીના અભાવે સંકટમાં મુકાયા છે. એકંદરે જુલાઈમાં સારો વરસાદ મળ્યા બાદ ખેડૂતોમાં આશા જાગી હતી, પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદના લાંબા વિરામે આખું ચિત્ર બદલી નાખ્યું છે.
ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર અને આમોદ તાલુકાના વરસાદ આધારિત વિસ્તારોમાં ખેતરોની જમીન ફરી સૂકી બનતાં પાકનો વિકાસ અટકી ગયો હોય તેમ લાગી રહ્યું છે. કપાસના છોડમાં ફૂલ અને ટોપલાં આવવાના સમયે પૂરતું ભેજ ન મળતાં ઉત્પાદન ઘટવાની અને છોડને રોગ થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે તુવેરના પાકમાં પણ દાણા ભરાવાની પ્રક્રિયા પર સીધી અસર નજરે પડી રહી છે. ખેડૂતો હવે મોંઘા ડીઝલ પંપ અને બોરવેલ દ્વારા સિંચાઈ કરવા મજબૂર બન્યા છે. દરિયાકાંઠાના વાગરા અને જંબુસર પંથકમાં ઓછા વરસાદને કારણે ભૂગર્ભ જળસ્તર નીચે ઉતર્યું છે. પરિણામે કૂવા અને બોરના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધતાં તે ખેતી માટે ઓછું ઉપયોગી બન્યું છે. અનેક ગામોમાં લીલો ચારો પણ ઘટી રહ્યો હોવાથી પશુપાલકો સામે પણ મુશ્કેલી ઊભી થઈ છે. ભરૂચના નર્મદા કમાન્ડ વિસ્તારમાં આવેલા ગામોમાં નહેર દ્વારા મળતા સિંચાઈના પાણીથી પાકને થોડી રાહત મળી છે. જોકે મધ્યપ્રદેશના કેચમેન્ટ વિસ્તારમાં પણ વરસાદ ઓછો હોવાથી સરદાર સરોવરમાં પાણીની આવક સામાન્ય કરતાં ઓછી રહેવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે, જે આગામી રવિ પાક માટે ભારે પડકારરૂપ બની શકે છે.
ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ જો આગામી દિવસોમાં નોંધપાત્ર વરસાદ નહીં પડે તો કપાસ અને કઠોળના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. તેની સીધી અસર બજારમાં શાકભાજી, કઠોળ અને ખાદ્ય અનાજના ભાવ પર જોવા મળી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે સપ્ટેમ્બરનો વરસાદ માત્ર ખરીફ પાક જ નહીં પરંતુ શિયાળાની વાવણી માટે જમીનમાં જરૂરી ભેજ જાળવવા પણ અત્યંત મહત્વનો છે. એકદંરે નર્મદા કેનાલમાંથી તાત્કાલિક વધારાનું સિંચાઈ પાણી છોડવામાં આવે, ખેતી માટે વીજ પુરવઠાના કલાકોમાં વધારો કરવામાં આવે, તેમજ પાક નુકસાનીનું તાત્કાલિક સર્વેક્ષણ અને ભરૂચના અસરગ્રસ્ત તાલુકાઓને દુષ્કાળ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવે તે જરૂરી છે. ભરૂચ જિલ્લામાં હવે આકાશ તરફ મીટ માંડી બેઠેલા ખેડૂતો માટે એક સારો વરસાદ માત્ર પાક નહીં, પરંતુ આખા વર્ષના જીવનનિર્વાહનો આધાર બની ગયો છે. ત્યારે ધરતીપુત્રો હવે ઉપર આકાશ અને નીચે સરકાર પર આશા રાખી બેઠા છે. જોવું રહ્યું પહેલા કોણ તેમની વાત સાંભરી ઉકેલ આપે છે.

