ડમરીઓ ઊડવા સાથે ધોધમાર ઝાપટાં વરસતાં માર્ગ પર પાણી રેલાયા હતા.

newzcafe
4 Min Read

ગુજરાતના પાંચ તાલુકામાં કમોસમી તોફાની વરસાદ


ભુજ, તા. 13 : પશ્ચિમી વિક્ષોભની અસર તળે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત આસપાસ 3.1 કિ.મી.ની ઊંચાઈએ સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનની અસર તળે મોસમે મિજાજ બદલ્યો હોય તેમ ભરઉનાળે કચ્છના પાંચ તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડયો હતો. અનેક સ્થળે ધૂળની ડમરીઓ ઊડવા સાથે ધોધમાર ઝાપટાં વરસતાં માર્ગ પર પાણી રેલાયા હતા. 


 


અંજારના સતાપરમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડયો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ કચ્છમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારમાં સાંજના સમયે વાદળો છવાયા હતા, એ પૂર્વે ભારે ઉકળાટની અનુભૂતિ થઈ હતી. બપોર બાદ કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભુજ તાલુકાના લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતનાં ગામોમાં પવન સાથે તોફાની વરસાદ ખાબકયો હતો. ઢોરીમાં વંટોળિયો વાયરો ફુંકાતા ધૂળની ડમરી ઊડી હતી. કુકમા અને આસપાસના ગામોમાં ઘનઘોર વાદળ છવાયા હતા અને નજીકના વાડી વિસ્તારમાં છૂટા છવાયા છાંટા પણ પડયા હતા.  કચ્છમાં ત્રણ દિવસ વરસાદની  આગાહી અંતર્ગત ગાંધીધામ, આદિપુરમાં સાંજે પવન સાથે ભારે વરસાદી  ઝાપટું પડ્યું હતું. સાંજે 5 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.


 


ભારે પવન  ફૂંકાતાં ધૂળની ડમરી ઊડી હતી અને મિની વાવાઝોડાં જેવો માહોલ સર્જાયો હતો. પવનનાં કારણે હોર્ડિંગ હલબલી ગયા હતા તેમજ છૂટા છવાયા બોર્ડ ઊડવા માંડ્યા હતા. પવનનાં કારણે વાતાવરણ ધૂળ્યું બની ગયું હતું. થોડીવાર બાદ વરસાદ પડવાનો શરૂ થયો હતો. અંદાજે  અડધો કલાક સુધી ક્યારેક ધોધમાર તો ક્યારેક હળવા ઝાપટાનો દોર જારી રહ્યો હતો. માર્ગો ઉપર જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં.  તાલુકાના કિડાણા ગામમાં ડો. આંબેડકરની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત લગાડવામાં આવેલું બેનર ઉખડી  ગયું હતું તેમજ નાના-મોટા ઝાડ પણ ઉખડી ગયા હતા. અંદાજે અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ભારે પવનના કારણે આખા શહેરમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. આદિપુરમાં પણ પવન સાથે વરસાદ પડ્યો હતો. આ તરફ અંજાર તાલુકાના દુધઈ વિસ્તારનાં ગામોમાં બપોરે ચાર વાગ્યા બાદ વાતાવરણમાં નાટકીય પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ વરસવો શરૂ થતાં નેવા ટપકવા લાગ્યા હતા. લોકોને બફારામાંથી આંશિક રાહત મળી હતી. 


 


અંજાર શહેરમાં પણ હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. સતાપરમાં તો દોઢેક ઈંચ પાણી પડયાનું આ વિસ્તારના અગ્રણી ગોપાલ માતાએ વિગતો આપતાં કહ્યું હતું. તો અંજાર, ભીમાસર, રાપર, ખોખરા, રતનાલ, અજાપર, હીરાપર, વીડી, નાગલપર, સીનુગ્રા સહિતના ગામોમાં ચૈત્રમાં અષાઢી માહોલ સર્જતો તોફાની વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળ્યા છે. આ વરસાદથી વરિયાળી, જીરું ઉપરાંત  આંબાના પાકને વ્યાપક નુકસાન થયું છે. ભચાઉમાં પવનના લીધે ધૂળની ડમરી ઊડયા બાદ મેઘગર્જના સાથે ઝાપટું વરસતાં પાણી વહી નિકળ્યા હતા. કબરાઉમાં ઝાપટા પડયાનું કૃષ્ણાનંદ બાપુએ તો ચીરઈ વિસ્તારમાં ધોધમાર વરસાદથી જોશભેર પાણી વહયાનું તા.પં.ના માજી પ્રમુખ ભરતસિંહ નટુભાએ કહ્યું હતું. અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ વરસાદી માહોલ ખડો કરી દીધો હતો. પ્રખર તાપ વરસાવી રહેલા સૂર્યને વાદળોએ પોતાના આગોશમાં લઈ લેતાં અને પવનનાં સૂસવાટા શરૂ થઇ જતાં લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. વાદળછાયા વાતાવરણમાં પવનના સૂસવાટા સાથે વરસાદી માહોલ સર્જાતાં વરસાદ પડે તેવી શક્યતા નકારી શકાતી નથી.

Share This Article