Bharuch Jama Masjid Controversy: ભરૂચમાં જામા મસ્જિદ વિવાદે લીધો નવો વળાંક: જૈન સમાજની એન્ટ્રીથી ગરમાયું વાતાવરણ, ઐતિહાસિક ‘સમડી વિહાર’ હોવાનો દાવો

Arati Parmar
3 Min Read

By: મુનીર પઠાણ, ભરૂચ

ભરૂચ:
Bharuch Jama Masjid Controversy: ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ગંભીર અને ચર્ચાસ્પદ બન્યો છે. મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન મૂર્તિઓ મળી હોવાના વાયરલ દાવાઓ વચ્ચે હવે જૈન સમાજ પણ સત્તાવાર રીતે મેદાનમાં ઉતરતા સમગ્ર મામલાએ નવો વળાંક લીધો છે. જૈન સંતો અને આગેવાનોનો દાવો છે કે હાલ જ્યાં જામા મસ્જિદ આવેલી છે તે સ્થળ એક સમયનું પ્રખ્યાત જૈન તીર્થ ‘સમડી વિહાર (શકુનિકા વિહાર)’ હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને તસવીરોમાં ભોંયરામાં જૈન તીર્થંકરો તથા હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ હોવાના દાવાઓ થયા બાદ ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. હવે જૈન સમાજે પણ આ સ્થળ સાથે જૈન ઇતિહાસ જોડાયેલો હોવાનો દાવો કરતા સમગ્ર વિવાદ વધુ ગરમાયો છે.

- Advertisement -

જૈન સંત રાજસુંદરવિજયજી મહારાજએ જણાવ્યું હતું કે ભરૂચ જૈન ધર્મના ત્રણ મહત્વપૂર્ણ તીર્થો – અશ્વાવબોધ તીર્થ, પ્રાયશ્ચિત તીર્થ અને સમડી વિહાર સાથે સંકળાયેલું છે. ખાસ કરીને સમડી વિહાર અંગે તેમણે દાવો કર્યો હતો કે આ સ્થળે પ્રાચીન જૈન તીર્થ અસ્તિત્વમાં હતું, જેના અવશેષો આજે પણ જમીનની અંદર હોવાની શક્યતા નકારી શકાય નહીં. મહત્વની બાબત એ છે કે જૈન સમાજે હવે સમગ્ર સ્થળનું વૈજ્ઞાનિક અને નિષ્પક્ષ પુરાતત્વીય સર્વેક્ષણ કરાવવાની માંગ ઉઠાવી છે. જૈન આગેવાનોના જણાવ્યા મુજબ તેમને ભોંયરામાં જઈ તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી નથી, જેના કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

બીજી તરફ જામા મસ્જિદ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજે આ તમામ દાવાઓને ફગાવતા તેને ભ્રામક અને કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જામા મસ્જિદ સદીઓથી મસ્જિદ તરીકે અસ્તિત્વમાં છે અને રહેશે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે ભરૂચમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક ચર્ચાઓ તેજ બની ગઈ છે. એક તરફ વિવિધ સંગઠનો સત્ય બહાર લાવવા પુરાતત્વીય તપાસની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલો પણ થઈ રહી છે. હાલ સમગ્ર જિલ્લાની નજર પ્રશાસન, રાજ્ય સરકાર અને પુરાતત્વ વિભાગના આગામી નિર્ણય પર ટકેલી છે. જો પુરાતત્વીય સર્વેક્ષણનો નિર્ણય લેવાશે તો તે ભરૂચના ઇતિહાસ સાથે જોડાયેલા અનેક પ્રશ્નોના જવાબ આપી શકે છે. જોકે, કોઈપણ અંતિમ નિષ્કર્ષ વૈજ્ઞાનિક તપાસ અને સત્તાવાર અહેવાલ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

- Advertisement -

આ પણ વાંચો: Somvati Amavas: અધિક માસની સોમવતી અમાસે ભરૂચ ભક્તિમય બન્યું, શિવ મંદિરો અને નર્મદા ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર – Newz Cafe

Share This Article