By: મુનીર પઠાણ, ભરૂચ.
ભરૂચ:
Somvati Amavas: હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવતી સોમવતી અમાસ અને અધિક માસના અંતિમ દિવસના શુભ સંયોગે ભરૂચ જિલ્લાભરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ શિવ મંદિરો, નર્મદા ઘાટો અને વિવિધ તીર્થસ્થળો પર શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ભક્તોએ ભગવાન શિવની આરાધના સાથે પવિત્ર નર્મદા સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલા ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા. સૂર્યોદય પહેલાંથી જ નર્મદા ઘાટો પર ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. શ્રદ્ધાળુઓએ માતા નર્મદાના પવિત્ર જળમાં આસ્થાની ડૂબકી લગાવી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે પ્રાર્થનાઓ કરી હતી. નર્મદા સ્નાન બાદ ભક્તોએ ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરી જળાભિષેક, દૂધાભિષેક તેમજ બિલિપત્ર અર્પણ કરીને શિવ આરાધના કરી હતી. મંદિર પરિસર “હર હર મહાદેવ”, “બમ બમ ભોલે” અને “નર્મદે હર” ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ઘંટનાદ, મંત્રોચ્ચાર અને ભક્તિભાવથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.
બીજી તરફ જંબુસર તાલુકાના કાવી કંબોઇ ખાતે આવેલા પ્રસિદ્ધ સ્વયંભૂ શિવલિંગ પર પણ વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. જિલ્લા તેમજ આસપાસનાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ શિવ લિંગનો અભિષેક અને પૂજા-અર્ચના કરીને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સોમવતી અમાસ અને અધિક માસના પાવન અવસરે ભરૂચ જિલ્લાભરમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. નર્મદા સ્નાન અને શિવ આરાધના દ્વારા હજારો ભક્તોએ આત્મિક શાંતિનો અનુભવ કરી ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની પોતાની અડગ આસ્થાને વધુ મજબૂત બનાવી હતી.

