Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં કોર્પોરેટ કંપની સામે જગતનો તાત લાલઘૂમ, મંજૂરી વગર ખેતરોમાં વીજ થાંભલા નાખતા ભારે બબાલ, પોલીસ સાથે ઘર્ષણ

Arati Parmar
3 Min Read

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામે કોર્પોરેટ શાહી અને સરકારી તંત્રની મિલીભગત સામે જગતના તાતે આરપારની લડાઈ આદરી છે. પોતાની કિંમતી જમીન અને ઊભા પાકને બચાવવા માટે લડી રહેલા ખેડૂતો પર ખાખી વર્દી અને ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલા કથિત દમનની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અદાણી વીજ કંપની દ્વારા ખેડૂતોની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના ખેતરોની વચોવચ બળજબરીપૂર્વક હાઈટેન્શન વીજ થાંભલા નાખવાની કામગીરી શરૂ કરાતા છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી જેતપરના સ્થાનિક ખેડૂતો રસ્તા પર ઉતરીને આક્રોશ ઠાલવી રહ્યા છે.

પોલીસના કાફલા સાથે પહોંચેલી કંપની સામે અણીયાળી ટોલનાકે ચક્કાજામ

આ વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે વીજ કંપનીના કર્મચારીઓ સ્થાનિક પોલીસના મોટા કાફલાને સાથે રાખીને ખેતરોમાં થાંભલા રોપવા પહોંચ્યા હતા. પોતાની રોજીરોટી છીનવાતી જોઈને ખેડૂતોએ અણીયાળી ટોલનાકા પાસે એકત્રિત થઈને હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો. પ્રદર્શન દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા ખેડૂતોને પોલીસે બળજબરીથી અટકાયતમાં લીધા હતા. આક્ષેપ છે કે આ દરમિયાન પોલીસે નારી સન્માનના લીરેલીરા ઉડાડી મહિલા ખેડૂતોના વાળ પકડીને તેમને ઢસડીને માર માર્યો હતો, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા જગાવી છે.

- Advertisement -

ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ઈસુદાન ગઢવી સહિતના વિપક્ષી નેતાઓ મેદાને

ખેડૂતો પર થયેલા આ લાઠીચાર્જ અને પોલીસ દમનની જ્વાળા આખા રાજ્યમાં ભભૂકી ઉઠતા વિપક્ષી નેતાઓ અને ખેડૂત અગ્રણીઓ તાત્કાલિક જેતપર ગામે દોડી આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલીયા અને મહેશ રાજકોટિયાએ ઘટનાસ્થળે પહોંચી પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય હેમંત ખવા અને નિલેશ એરવાડિયા જેવા નેતાઓએ પણ પ્રતીક ધરણા સ્થળે બેસીને સરકાર અને મૂડીપતિઓની હઠધર્મી સામે આકરા પ્રહારો કરી આંદોલનને ઉગ્ર બનાવવાની જાહેરાત કરી છે.

મંત્રી કાંતિ અમૃતિયાના પોતાના જ વતનમાં માત્ર વાયદા, ખેડૂતોની ટ્રેક્ટર રેલી

બીજી તરફ, મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, જેઓ પોતે આ જેતપર ગામના જ વતની છે, તેમની ભૂમિકા સામે સ્થાનિકો ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. રોષે ભરાયેલા ખેડૂતોએ જ્યારે કલેક્ટર કચેરી સુધી વિશાળ ટ્રેક્ટર રેલી કાઢી ત્યારે મંત્રી કાંતિભાઈ ગામમાં આવ્યા તો ખરા, પરંતુ ખેડૂતોના પ્રશ્નનું કોઈ કાયમી અને નક્કર નિરાકરણ લાવવા કે વીજ કંપનીનું કામ અટકાવવાના બદલે માત્ર આશ્વાસન આપીને ચાલતી પકડી હતી. હાલમાં પણ ખેડૂતો પોતાના ખેતરમાં થતા ગેરકાયદે બાંધકામ સામે કાળઝાળ ગરમીમાં ધરણા પર બેઠા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે.

- Advertisement -

આ પણ વાંચો: Operation Delta Hunt: આણંદમાં બાંગ્લાદેશી પત્નીને બચાવવા પતિની આજીજી, ‘તે હિન્દુ બની ગઈ છે, તેને પાછી ન મોકલો’ – Newz Cafe

Share This Article