Rajkot Jangaleshwar Demolition Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જ્યારે મેગા ડિમોલિશનના નામે ગરીબોના આશરા પર બુલડોઝર ફેરવવામાં આવ્યા, ત્યારે તંત્રની સંવેદનશીલતા પર મોટા પ્રશ્નો ઉભા થયા હતા. હવે આ સમગ્ર કામગીરી પાછળ થયેલા ખર્ચના આંકડા સામે આવતા ભારે વિવાદ વકર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર એક ડિમોલિશનની કામગીરી પાછળ આશરે 3 કરોડ રૂપિયા જેવી તોતિંગ રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચમાં જેસીબી, ડમ્પર અને ટ્રેક્ટર જેવા સાધનોના ભાડા સહિત મંડપ સર્વિસના 8.50 લાખ અને લાઈટિંગ પાછળ 2.50 લાખ રૂપિયા જેવી રકમ ખર્ચાયાનું બહાર આવ્યું છે.
વીડિયોગ્રાફી અને ખાણી-પીણીમાં લાખોનો ધુમાડો
સૌથી વધુ ચોંકાવનારી બાબત વીડિયોગ્રાફીના બિલમાં જોવા મળી છે, જેમાં 21 થી 27 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવેલી વીડિયોગ્રાફી માટે 27.70 લાખ જેવી જંગી રકમ ચૂકવાઈ છે. વળી, અધિકારીઓની ખાણી-પીણીના બિલ તો કોઈ લક્ઝરી પિકનિકની યાદ અપાવે તેવા છે! 7 લાખના બિલમાં સમોસા, કાજુકતરી, જલેબી, ગાંઠિયા અને ભોજનની થાળી જેવી અનેક વાનગીઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ ડિમોલિશન કરવા નહીં, પરંતુ પિકનિક મનાવવા ગયા હોય તેવું લાગી રહ્યું હતું.
પાણીના ભાવનો વિવાદ અને પુરૂષોત્તમ પીપળીયાનો ઘટસ્ફોટ
આ સમગ્ર મામલે પુરૂષોત્તમ પીપળીયાએ હરિસિંહ સુચરીયા સાથેની એક વાયરલ ઓડિયો ક્લિપ જાહેર કરીને તંત્રની પોલ ખોલી છે. ઓડિયોમાં દાવો કરાયો છે કે સ્થળ પર 5,000 પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેની બજાર કિંમત ઘણી ઓછી છે. હરિસિંહભાઈએ તો ત્યાં સુધી પડકાર ફેંક્યો છે કે, તંત્રને જેટલી પાણીની બોટલ જોઈએ તે 2 રૂપિયાના ભાવે આપવા તૈયાર છે, જે દર્શાવે છે કે સરકારી ભાવમાં કેટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જ્યારે એક તરફ ગરીબો બેઘર થઈ રહ્યા હતા, ત્યારે બીજી તરફ અધિકારીઓ જાણે સરકારી તિજોરી ખાલી કરવામાં વ્યસ્ત હોય તેમ આ આંકડાઓ સાબિત કરે છે કે આ વિકાસના નામે કરાયેલો પ્રજાના પરસેવાની કમાણીનો ખુલ્લેઆમ ધુમાડો છે.

