ભુજ, તા. 30 : કચ્છના કણકણમાં વિકાસ છે, હું કહું છું કે આ જિલ્લો ભારતનું સોનુ છે અને તેને વધુ ચમકાવવા ગુજરાત સરકાર તમામ સ્તરે ધ્યાન આપી રહી હોવાની ઉમળકાભરી વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે કચ્છમિત્ર ભવનની શુભેચ્છા મુલાકાત દરમ્યાન કરીને આ ઇરાદાને મૂર્તિમંત કરવા વ્યાપક સ્તરે આયોજન હાથ ધરાઇ રહ્યાં હોવાની વિગતો આપી હતી. દસ દિવસ પહેલાં જ 20મી જુલાઇએ 78મી વર્ષગાંઠ ઊજવનાર કચ્છમિત્ર ભવનમાં અનૌપચારિક વાતચીતમાં મુખ્યમંત્રીએ કચ્છ માટે કિંમતી એવી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નર્મદા યોજનાને સમાંતર એક નવતર આયોજન પર ગંભીરતા સાથે વિચારણા ચાલી રહી હોવાની હરખની વધામણી આપી હતી. મુખ્યમંત્રીપદ સંભાળ્યા બાદ ગુજરાતમાં કોઇપણ અખબાર કચેરીમાં પ્રથમવાર કચ્છમિત્રની શુભેચ્છા મુલાકાતે આવેલા ભૂપેન્દ્રભાઇ પટેલને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા સહિત દૈનિકના તમામ કર્મચારીઓએ ઉત્સાહભેર આવકાર્યા હતા. તંત્રી વિભાગ, મેનેજમેન્ટ, ફોટો કંપોઝ, પૂર્તિ, પેજ સેટિંગ, રેફરન્સ લાયબ્રેરી સહિતના વિભાગોની રસપૂર્વક કામગીરી નિહાળીને પ્રભાવિત થયેલા મુખ્યમંત્રીને શ્રી મામણિયા અને કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડે ટ્રસ્ટ અને અખબાર અંગેની માહિતીથી વાકેફ કર્યા હતા. કચ્છમિત્ર દ્વારા કારગિલ યુદ્ધથી માંડીને કચ્છ માટે દરેક મહત્ત્વની ઘટનાઓ વખતે કચ્છમિત્રએ ભજવેલી ભૂમિકાની વિગતો સાંભળીને મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા. વિશેષ તો કચ્છના સર્વાંગી વિકાસ માટે કચ્છમિત્રએ હાથ ધરેલા વિવિધ કાર્યક્રમો, કોન્કલેવની વાતો તેમણે રસપૂર્વક સાંભળી હતી.

ભૂપેન્દ્રભાઈ સહૃદયી ને નિખાલસ છતાં વિઝનરી મુખ્યમંત્રી તરીકેની છાપ છોડી ગયા હતા. હાર્દિકભાઈ મામણિયાએ જણાવ્યું કે, રાજ્યના કર્ણધાર હોવા છતાં તેનો કોઈ જ ભાર ન અનુભવતા હોય તેમ ભૂપેન્દ્રભાઈએ સહજતાથી વર્તીને સૌનાં દિલ જીતી લીધાં હતાં. સાવ ઔપચારિક રીતે વાતચીત કરતા મુખ્યમંત્રીએ કચ્છના વિકાસની ક્ષમતાની પ્રસંશા કરી હતી. એક સવાલના જવાબમાં તેમણે કૃષિ ક્ષેત્રે હરણફાળ ભરી ચૂકેલા કચ્છમાં હવે ખેતપેદાશોના મૂલ્યવર્ધન માટેનાં આયોજનો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. કૃષિ આધારિત ઉત્પાદન કરતા એકમો માટે માળખાકીય સુવિધા વિકસાવીને પાણી અને ગ્રીન વીજ પુરવઠાની પૂરતી વ્યવસ્થા ગોઠવવાની નેમ શ્રી પટેલે વ્યક્ત કરી હતી.
આ સંદર્ભમાં કચ્છને વધુ પાણી મળતું થાય તે માટે નર્મદા યોજના ઉપરાંત એક વધારાનાં આયોજનને ઘડી કાઢવા પર કામ થઇ રહ્યંy હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. હજી આરંભના તબક્કામાં હાથ ધરાઇ રહેલાં આ આયોજનમાં નદીઓને વધુ પાણીદાર બનાવવાની વિચારણા પાયામાં હોવાના સંકેત તેમણે આપ્યા હતા. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયાએ ટ્રસ્ટ દ્વારા કરાતા સ્વતંત્ર પત્રકારત્વ અને તેના ઇતિહાસની વાત કરી હતી. ટ્રસ્ટ દ્વારા વર્ષે- દિવસે કરાતાં લાખોનાં દાન ઉપરાંત વિવિધ સામાજિક કામોની વિગતો પણ તેમણે આપી હતી, તો તંત્રી દીપકભાઇ માંકડે ભૂકંપ સમયે નરેન્દ્રભાઇ મોદી કચ્છમિત્રના તંબુમાં ચાલતા કાર્યાલયની મુલાકાત લેતા તે તસવીર બતાવીને 78 વર્ષ અગાઉના અંક અને તે પછીના ઐતિહાસિક અંકો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. થોડા સમય અગાઉ જળ સંરક્ષણનાં કાર્યોને બિરદાવતાં કેન્દ્ર સરકારના જળ એવોર્ડના કચ્છમિત્રને મળેલાં સન્માનની માહિતી તંત્રીએ તેમને આપી હતી.
1965નાં યુદ્ધમાં રાજ્ય અનામત પોલીસના જવાનોએ વહોરેલી શહીદીની માહિતી મદદનીશ તંત્રી નિખિલ પંડયાએ આપીને આ ત્રણ જવાને પાકિસ્તાની લશ્કરની સામે લડતાં દેશ માટે જીવ આપ્યો તેનું સ્મારક રાજ્ય સરકારે કચ્છની રણ સરહદે સ્થાપવું જોઇએ એના પર પ્રકાશ પાડયો હતો. કચ્છના પાયાના શિક્ષણ, આરોગ્ય અને અન્ય પ્રશ્નો અને તેના ઉકેલની એક ટૂંકી નોંધ પણ કચ્છમિત્ર વતી મુખ્યમંત્રીને અપાઇ હતી. તેમણે આ બાબતોને ધ્યાને લેવાની ખાતરી આપી હતી. કચ્છમિત્ર વતી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મામણિયા, તંત્રી દીપકભાઇ, મેનેજર મુકેશભાઇ ધોળકિયા, મદદનીશ તંત્રી શ્રી પંડયા અને મદદનીશ મેનેજર હુસેનભાઇ વેજલાણીએ મુખ્યમંત્રીનું શાલ અને પાઘડીથી સન્માન કર્યું હતું. તેમને એક ખાસ મોમેન્ટો પણ અર્પણ કરાયો હતો તથા 78મા જન્મદિવસે કચ્છમિત્રે પ્રકાશિત કરેલા વિશેષ લેખોની પુસ્તિકા, વિશેષ પ્રકાશનો કચ્છીયતનું અમૃતમંથન અને વેલકમ ટુ કચ્છ ભેટમાં અપાયા હતા. મુખ્યમંત્રી એકદમ ખુશમિજાજમાં હતા અને અખબાર કચેરીના દરેક વિભાગોની કામગીરી રસપૂર્વક નિહાળી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, અનિરુદ્ધભાઇ દવે, પ્રદ્યુમનાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી અને ત્રિકમભાઇ છાંગા, ભાજપના હોદ્દેદારો ધવલભાઇ આચાર્ય, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, દિલીપભાઇ શાહ, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, આઇ.જી.પી. ચિરાગ કોરડિયા, પોલીસવડા સાગર બાગમાર, એસ.ડી.એમ. અનિલ જાધવ સહિતના આ મુલાકાતમાં સાથે રહ્યા હતા.

