Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે 32 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ભાજપના નેતાનું નામ સામે આવતા રાજકીય ગરમાવો

Arati Parmar
3 Min Read

Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે કે વાસ્તવિકતામાં, તે અંગેનો સવાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝગડિયા ત્રણ રસ્તા નજીક દમણ તરફથી રાજપીપળા તરફ જઈ રહેલી એક આઈસર ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરની મોટી માત્રા ઝડપી પાડી હતી. પોલીસના જણાવ્યા મુજબ ટ્રકમાંથી કુલ 11,916 બોટલ મળી આવી હતી. દારૂ અને ટ્રક સહિત અંદાજે 32.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસને ચોક્કસ બાતમી મળ્યા બાદ ટ્રકને અટકાવવામાં આવી હતી. શરૂઆતમાં ટ્રકમાં પ્લાસ્ટિકના ખાલી કેરેટ જોવા મળ્યા હતા, પરંતુ કેરેટ હટાવતાં તેની નીચે વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. પોલીસે ટ્રક ચાલક બબલુ પ્રજાપતિની ધરપકડ કરી છે.

- Advertisement -

તપાસ દરમિયાન શિવમસિંહ ચૌહાણ, દિનેશ વસાવા સહિત અન્ય એક વ્યક્તિનું નામ સામે આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો દમણથી રાજપીપળા તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં નર્મદા જિલ્લાના ભાજપ અગ્રણી અને ચિત્રોલના નેતા દિનેશ શાંતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપોથી રાજકીય ગરમાવો

આ સમગ્ર મામલે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકીય ચર્ચા વધુ ઉગ્ર બની છે. મનસુખ વસાવાએ દિનેશ વસાવા સામે અગાઉ પણ દારૂના વેપારને લઈને આક્ષેપો કર્યા હોવાનો દાવો કર્યો હતો. તેમણે પોલીસને મોટા બુટલેગરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી અને કહ્યું હતું કે નાના લોકો સામે કાર્યવાહી થવાને બદલે મોટા દારૂના નેટવર્ક સાથે જોડાયેલા લોકો સામે પણ કડક પગલાં લેવાં જોઈએ.

- Advertisement -

સાંસદે એવો પણ આક્ષેપ કર્યો કે નર્મદા અને ભરૂચના કેટલાક વિસ્તારોમાં દારૂ ઉપરાંત અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની માહિતી તેમણે પોલીસ અધિકારીઓને આપી છે. તેમણે ભાજપ સંગઠનને પણ આવા લોકો સામે કાર્યવાહી કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

આ મુદ્દે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા. તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દીવ અને દમણ તરફથી મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં પ્રવેશે છે. તેમણે સવાલ કર્યો કે જો ગુજરાતની સરહદો પર કડક સુરક્ષા વ્યવસ્થા હોય તો દારૂનો જથ્થો રાજ્યમાં કેવી રીતે પહોંચે છે.

- Advertisement -

હાલ પોલીસે દિનેશ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. હવે આ કેસમાં તેમની ધરપકડ થાય છે કે નહીં અને સમગ્ર દારૂ નેટવર્કની તપાસ ક્યાં સુધી પહોંચે છે તે જોવું મહત્વનું રહેશે. સાથે જ ભાજપ સંગઠન આક્ષેપોના પગલે શું પગલાં લે છે તેના પર પણ રાજકીય વર્તુળોની નજર છે.

Share This Article