Bhavnagar woman jail PASA: ભાવનગરમાં કાયદાનો સપાટો, સ્પાની આડમાં દેહવેપાર ચલાવતી મહિલાની રૂ. 80 લાખની મિલકત ટાંચમાં

Arati Parmar
2 Min Read

Bhavnagar woman jail PASA: ભાવનગર શહેરમાં ફેમિલી સ્પાના નામે અનૈતિક દેહવેપાર ચલાવતી મહિલા સામે પોલીસે અત્યાર સુધીની સૌથી કડક અને ઐતિહાસિક કાર્યવાહી કરી છે. વાઘાવાડી રોડ પર આવેલા ‘આયુર થાઇ સ્પા’ના સંચાલિકા શબાના ફારૂકભાઈ થીમ વિરુદ્ધ અગાઉ પણ અનેક ફરિયાદો નોંધાઈ હતી. શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આ મહિલા વિરુદ્ધ બે ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. વારંવારની ફરિયાદો બાદ ભાવનગર પોલીસે આ મામલે કાયદાકીય રીતે આક્રમક વલણ અપનાવ્યું હતું. પોલીસે માત્ર મહિલાની ધરપકડ જ ન કરી, પરંતુ કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ કરીને તેના ગેરકાયદેસર વ્યવસાયના મૂળ પર પ્રહાર કર્યો છે.

રાજ્યનો પ્રથમ કિસ્સો: BNSS કલમ 107 હેઠળ મિલકત જપ્તી

આ કિસ્સો રાજ્યમાં એક નવો દાખલો બેસાડનારો સાબિત થયો છે. ભાવનગર પોલીસે કોર્ટમાં અરજી કરીને નવી BNSS કલમ 107 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કોર્ટના આદેશ બાદ પોલીસે સુરભી મોલમાં આવેલી મહિલાની રૂ. 80 લાખની કિંમતની મિલકત (દુકાન નંબર 309) ટાંચમાં લઈ લીધી છે. ASP ઘનશ્યામ ગૌતમના જણાવ્યા અનુસાર, BNSS કલમ 107 હેઠળ રાજ્યમાં આ પ્રકારની કાર્યવાહીનો આ સૌપ્રથમ કિસ્સો છે. આ સાથે પોલીસે મહિલાના બેંક એકાઉન્ટની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે, જેથી અનૈતિક પ્રવૃત્તિઓથી મેળવેલી અન્ય મિલકતો અંગે પણ માહિતી મેળવી શકાય.

- Advertisement -

પાસા હેઠળ જેલની હવા અને ભવિષ્યની ચેતવણી

માત્ર મિલકત જપ્ત કરવા સુધી જ પોલીસ અટકી નથી. ભાવનગર ડીએસપી દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેક્ટર) સમક્ષ આ મહિલાને પાસા (PASA) હેઠળ જેલમાં મોકલવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા આ દરખાસ્ત મંજૂર થતાં જ 37 વર્ષીય શબાના ફારૂકભાઈ થીમ વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. પરિણામે, પોલીસ દ્વારા તેને ભુજ જેલમાં ધકેલી દેવામાં આવી છે. આ કાર્યવાહી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો માટે એક સ્પષ્ટ ચેતવણી છે કે હવે પોલીસ ગેરકાયદેસર રીતે મેળવેલી મિલકતો પર પણ કાયદાનો સપાટો બોલાવી શકે છે. આ કેસ આવનારા સમયમાં અનેક ગુનેગારો માટે કાયદાકીય ફફડાટનું કારણ બનશે.

Share This Article