Bribe Case in Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુરમાં મહિલા ક્લાસ વન અધિકારી અંકિતા ઓઝા તેમની કચેરી અધિક્ષક સાથે મળી એક અરજદાર પાસે સ્ટેમ્પ ડયુટી ભર્યા વગર કરેલા બાંધકામની સ્ટેમ્પ ડયુટી ઘટાડી તેનું ઝડપી ચલણ આપવા ત્રણ લાખની લાંચ લેતા ગાંધીનગર એસીબી ટીમમાં છટકામાં રંગે હાથે ઝડપાઇ જતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બન્ને અધિકારીઓ સામે એસીબીએ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ડયુટી ભર્યા વગર કરેલા બાંધકામમાં સ્ટેમ્પ ડયુટી ઘટાડવા માટે મહિલા અધિકારીએ લાંચ માંગી હતી
પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક લાંચિયા અધિકારીઓ તેમજ કર્મચારીઓ ભલી ભોળી પ્રજાને લૂંટવા બેઠા હોય તેમ કામના બદલે ખુલ્લેઆમ તગડા દામની વસૂલાત કરી રહ્યા હોય આવા લાંચિયા બાબુઓ કેટલીક વાર જાગૃત નાગરિકોની સજાગતાથી એસીબીની ઝપેટમાં આવી રહ્યા છે જે વચ્ચે વધુ એક મહિલા ક્લાસ વન અધિકારી ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા છે.
જેમાં પાલનપુરમાં એક અરજદારે બે પ્લોટમાં સ્ટેમ્પ ડયુટી ભર્યા વિના બાંધકામ કરી બે મકાન બનાવેલ હતા જેની સ્ટેમ્પ ડયુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડયુટી નું ચલણ ઝડપી આપવા પાલનપુર જોરાવર પેલેસ સેવા સદન બેમાં આવેલ સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન કચેરીમાં ફરજ બજાવતા વર્ગ 3 ના પ્લાનિંગ આસિસ્ટન્ટ (ઇન્ચાર્જ કચેરી અધિક્ષક) ઇમરાનખાન બિસમિલ્લાખાન નાગોરી ના કહેવા થી સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન કચેરીના નાયબ કલેકટર અંકિતાબેન બાબુલાલ ઓઝા એ એક મકાનના રૂ.1.50 લાખ લેખે બે મકાનના રૂ.3 લાખની લાંચ માંગી હતી.
જોકે અરજદાર લાંચ આપવા માંગતા ન હોય તેમને એસીબીનો સંપર્ક કરતા ગાંધીનગર એસીબીના પીઆઈ એચ.બી ચાવડાએ તેમની ટીમ સાથે પાલનપુર સ્ટેમ્પ ડયુટી કચેરીમાં છટકું ગોઠવ્યું હતું જેમાં કચેરી અધિક્ષક ઇમરાનખાન નાગોરીએ અરજદાર પાસેથી લાંચની રકમ સ્વીકારી આ સ્ટેમ્પ ડયુટી રકમ નાયબ કલેકટર અંકિતાબેન ઓઝાની ચેમ્બરમાં આપતા એસીબીની ટીમે આ બન્ને લાંચિયા અધિકારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા વહીવટી તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો.
એસીબીએ રંગે હાથ રૂપિયા ત્રણ લાખની લાચ લેતા ઝડપાયેલા પાલનપુર કચેરીના આ બંને લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ છેલ્લા બે માસથી વિવિધ તપાસની અરજીઓ તથા આક્ષેપો થતા હતા.આ અધિકારીઓએ સરકારના નિધિ ફંડને ફાયદો કરવાની જગ્યાએ પોતાને મળેલી સત્તા અને અધિકારનો ઉપયોગ પોતાના ગજવા ભરવામાં કરવાનું ચાલુ રાખ્યું હતું. જોકે પાપનો ઘડો ફૂટે તેમ, આખરે એસીબી ટીમે આ બંને લાચીયા અધિકારીઓને ઝડપી પાડવા માટે છટકુ ગોઠવ્યું હતું અને બંને રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા હતા.

