C-295 Military Aircraft: ભારતીય વાયુસેનાને આ વર્ષના સપ્ટેમ્બરમાં પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ સી-295 એરક્રાફ્ટ મળી જશે. ગુજરાતના વડોદરામાં સ્થિત ટાટા-એરબસના પ્લાન્ટમાં આ વિમાનને તૈયાર કરી લેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં તેની પ્રથમ ઝલક જોવા મળી છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ખાનગી કંપની પૂર્ણ સૈન્ય વિમાનનું નિર્માણ કરી રહી છે. 28 ઓક્ટોબર 2024 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં ટાટા-એરબસ પ્લાન્ટ (ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને એરબસનું સંયુક્ત સાહસ) નું ઉદ્ઘાટન કર્યું હતું.
ભારતે સ્પેન સાથે કરી છે 56 વિમાનની ડીલ
ભારતે સ્પેન સાથે 56 સી-295 વિમાન માટે ડીલ કરી છે. આ અંતર્ગત 16 વિમાન સ્પેનથી આવશે જ્યારે 40 વિમાનોનું નિર્માણ વડોદરાના પ્લાન્ટમાં થશે. ભારતમાં આને તૈયાર કરવાની જવાબદારી ટાટા પાસે છે. આ માટે વડોદરાના હરણીમાં એક ફાઇનલ એસેમ્બલી લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ વિમાનની મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલિંગ, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ (MRO) નું કાર્ય કરશે. આ પ્લાન્ટમાં પ્રથમ સી-295 વિમાનને તૈયાર કરી લેવામાં આવ્યું છે. આ મેડ ઇન ઇન્ડિયાના ક્ષેત્રમાં મોટી છલાંગ છે. પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે આ પ્લાન્ટનો શુભારંભ કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે આ ભારતના સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ ના મંત્રને સાકાર કરશે.
Made in India C-295 Aircraft
વડોદરા સ્થિત પ્લાન્ટમાં તૈયાર થયેલ પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ C-295 ટેક્ટિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સપ્ટેમ્બરમાં રોલ આઉટ થવા તૈયાર છે. pic.twitter.com/aZugE7Soxh
— BJP Gujarat (@BJP4Gujarat) May 12, 2026
બીજેપી ગુજરાત દ્વારા પણ વીડિયો શેર કરવામાં આવ્યો
પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાનના વીડિયોને ગુજરાત બીજેપી દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. વડોદરાના પ્લાન્ટ દ્વારા ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે અને ભવિષ્યમાં અહીંથી બીજા દેશોને પણ વિમાન નિકાસ કરી શકાશે. સૂત્રોએ જણાવ્યું કે સપ્ટેમ્બર સુધીમાં આ વિમાનનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ આને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોન્ચ કરી શકે છે. આ વિમાનની સૌથી મોટી વિશેષતા એ છે કે આ વિમાન માત્ર 670 મીટરના નાના રનવે પરથી ઉડાન ભરી શકે છે, જે આને લદ્દાખ જેવા પહાડી વિસ્તારો માટે ખૂબ જ અસરકારક બનાવે છે. આનાથી વાયુસેનાને નવી તાકાત મળશે.

