Surat Municipal Corporation Corruption Case: સુરત મહાનગરપાલિકામાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચારના મોટા ખેલનો એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ પર્દાફાશ કર્યો છે. લિંબાયત ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક સ્થાનિક અખબારના કથિત પત્રકાર પર ડિમોલિશન રોકવાના નામે લાખોની લાંચ માંગવાનો આરોપ છે. એસીબીએ ટ્રેપ ગોઠવી હતી, પરંતુ કાર્યવાહી દરમિયાન આરોપી પત્રકાર રકમ લઈને ફરાર થઈ ગયો હતો, આ મામલે અધિકારી પણ તપાસના ઘેરામાં છે.
મામલો સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન સાથે જોડાયેલો છે, જ્યાં એક સબ-ઇન્ડસ્ટ્રિયલ પ્લોટ પર ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ જારી કરવામાં આવી હતી. નવેમ્બરમાં મનાઈ હુકમ અને ફેબ્રુઆરીમાં આંશિક ડિમોલિશન બાદ અંદાજે 1 લાખ 70 હજાર રૂપિયાનો ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. પરંતુ આરોપ છે કે બાકીનું બાંધકામ ન તોડવા બદલ 21 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. વાતચીત અને રકઝક બાદ આ સોદો 15 લાખ રૂપિયામાં નક્કી થયો હતો.
આ કેસમાં મુખ્ય આરોપી લિંબાયત ઝોનના ક્લાસ વન અધિકારી એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિપુલ શશિકાંત ગણેશવાલા છે. આરોપ છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને સીધા પૈસા લેવાને બદલે એક કથિત પત્રકાર દ્વારા લાંચનું નેટવર્ક ઊભું કર્યું હતું. આ ખેલમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર વ્યક્તિ મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ છે, જે ‘નિષ્પક્ષ ગુજરાત પત્રિકા’ નામના દૈનિક અખબાર સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. એસીબીના જણાવ્યા અનુસાર, તે જ એન્જિનિયરનો ખાસ માણસ બનીને ફરિયાદી પર સતત દબાણ લાવી રહ્યો હતો.
નવાઈની વાત એ છે કે લાંચ લેવાની જગ્યા અખબારની ઓફિસ બની હતી. આંજણા ઇન્ડસ્ટ્રીઝ રઘુકુલ માર્કેટ સ્થિત ઓફિસ નંબર 104માં 19 ફેબ્રુઆરીએ 4 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો લેવાની યોજના બનાવવામાં આવી હતી. એસીબીએ જાળ બિછાવી. ફરિયાદી રકમ લઈને ઓફિસે પહોંચ્યો. વાતચીત થઈ… અને જેવી રકમ સોંપવામાં આવી, કે તરત જ પત્રકારને શંકા ગઈ. ફિલ્મી અંદાજમાં તે 4 લાખ રૂપિયા લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. એન્જિનિયર પણ સ્થળ પર મળી આવ્યો નહોતો.
એસીબીનો દાવો છે કે બંને વચ્ચે ઊંડી મિલીભગત હતી અને આખી ડીલ 15 લાખમાં નક્કી થઈ હતી, જેમાં બાકીના 11 લાખ સોમવાર સુધીમાં આપવાની વાત હતી. હવે બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરાર આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. એસીબી એ પણ તપાસ કરી રહી છે કે આ આખા ખેલમાં અન્ય કોણ કોણ સામેલ છે. એક જવાબદાર સરકારી અધિકારી અને પોતાને ચોથી જાગીર કહેતા પત્રકાર પર લાગેલા આ ગંભીર આરોપો સુરત મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી પર મોટા પ્રશ્નાર્થ ચિન્હ ઉભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે એસીબીની તપાસ આ મામલે અન્ય કયા મોટા નામોનો ખુલાસો કરે છે.

