PM Modi Gujarat Visit: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પોતાની હાઈ-પ્રોફાઈલ લાઈફસ્ટાઇલ માટે ચર્ચામાં રહેતા હોય છે. એક સમયે ચા વેચતા હોવાની ઓળખ આપનાર મોદી આજે વિશ્વના સૌથી મોંઘી જીવનશૈલી ધરાવતા નેતાઓમાં સ્થાન પામે છે. જોકે, વિરોધ પક્ષો અને સામાન્ય જનતામાં એવી ચર્ચા છે કે જ્યારે દેશ પર કોઈ આર્થિક કે સામાજિક સંકટ આવે છે, ત્યારે વડાપ્રધાન પોતે જવાબદારી સ્વીકારવાને બદલે પ્રજાને સલાહ આપીને બચાવનો રસ્તો શોધે છે. તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે નાગરિકોને પેટ્રોલ, ડીઝલ અને ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવાની તેમજ સોનાની ખરીદી ટાળવાની વિનંતી કરી હતી. ટીકાકારોનું માનવું છે કે વડાપ્રધાનની જવાબદારી પ્રજાને મુશ્કેલીમાં મૂક્યા વિના સંતુલન જાળવવાની હોય છે, પરંતુ અહીં વારંવાર પ્રજાના માથે જ જવાબદારી થોપી દેવામાં આવે છે.
વૈશ્વિક સંકટોનું બહાનું અને જનભાગીદારીની માગ
વડાપ્રધાને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશ અત્યારે અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. કોરોના મહામારી બાદ હવે વૈશ્વિક આર્થિક સ્થિતિ અને પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે ભારત પર પણ અસર પડી રહી છે. આ સંકટમાંથી બહાર આવવા માટે તેમણે ‘જનભાગીદારી’ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જેમ કોરોનાનો સામનો સાથે મળીને કર્યો હતો, તેમ આ આર્થિક સંકટને પણ આપણે પાર કરીશું. જોકે, પ્રજાના એક વર્ગમાં એવી છાપ પડી રહી છે કે જ્યારે પણ સરકાર વહીવટી મોરચે નિષ્ફળ જાય છે ત્યારે નાગરિકોના ‘કર્તવ્ય’ની વાત આગળ ધરવામાં આવે છે. અગાઉ પણ નોટબંધી જેવી ઘટનાઓમાં લોકોને લાંબી લાઈનોમાં ઊભા રાખી દેવામાં આવ્યા હતા, જેની યાદો હજુ તાજી છે.
કરકસરના સૂચનો અને વ્યવહારિક મુશ્કેલીઓ
વડાપ્રધાને દેશના સંસાધનો પરનો બોજ ઘટાડવા માટે કેટલીક વિચિત્ર લાગે તેવી સલાહો પણ આપી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સોનાની ખરીદી ટાળવી જોઈએ અને વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાને બદલે દેશમાં જ લગ્ન કરવા જોઈએ. એટલું જ નહીં, ઈંધણ બચાવવા માટે ફરી એકવાર ‘વર્ક ફ્રોમ હોમ’ અને શાળાઓમાં ‘ઓનલાઈન ક્લાસ’ શરૂ કરવાની વાત પણ તેમણે કરી હતી. સામાન્ય નાગરિક માટે આ સૂચનો અમલમાં મૂકવા મુશ્કેલ છે, કારણ કે મધ્યમ વર્ગ માટે સોનું એ માત્ર શણગાર નહીં પણ આર્થિક સુરક્ષાનું સાધન છે. વળી, ઈન્ટરનેટ અને વીજળીના વધતા ભાવ વચ્ચે ફરી ઓનલાઈન ક્લાસની વાત વાલીઓ માટે ચિંતાનો વિષય બની છે.
ભાષણમાં બચત અને રેલીઓમાં ઈંધણનો વેડફાટ
વડાપ્રધાનની આ સલાહમાં સૌથી મોટો વિરોધાભાસ તેમની જ સભાઓમાં જોવા મળ્યો હતો. એક તરફ તેઓ લોકોને પેટ્રોલ-ડીઝલ બચાવવાની શીખ આપી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ તેમની જંગી સભામાં ભીડ એકઠી કરવા માટે સેંકડો બસો ભરીને લોકોને દૂર-દૂરથી લાવવામાં આવ્યા હતા. આ બસોમાં હજારો લીટર ડીઝલનો ધુમાડો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કરોડોના ખર્ચે યોજાયેલા રોડ-શોમાં સેંકડો લક્ઝરી ગાડીઓનો કાફલો ફરતો હતો. પ્રજા સવાલ કરી રહી છે કે જો ખરેખર દેશમાં ઈંધણનું સંકટ છે, તો શું વડાપ્રધાન પોતાના ભવ્ય આયોજનો અને રોડ-શો રદ કરીને બચતનું ઉદાહરણ પૂરું ન પાડી શક્યા હોત? શું બધા નિયમો અને કરકસરની અપેક્ષા માત્ર સામાન્ય નાગરિકો પાસે જ રાખવામાં આવે છે?
જનતાની સમજણ અને સત્તાનો અભિગમ
આજના જાગૃત યુગમાં પ્રજા દરેક બાબતનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે. જ્યારે સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે પ્રજાને ‘ભોઠ’ સમજીને સલાહો આપે છે, ત્યારે લોકોમાં આક્રોશ જન્મે છે. વડાપ્રધાને જે રીતે થાળીઓ વગાડવાથી લઈને હવે તેલ-પેટ્રોલ ઓછું વાપરવાની વાતો કરી છે, તેનાથી એવું લાગે છે કે સમસ્યાઓનું મૂળ ઉકેલવાને બદલે માત્ર પ્રતિકાત્મક બાબતો પર ભાર મુકાઈ રહ્યો છે. જો સરકાર પોતે સરકારી તાયફા અને બિનજરૂરી જાહેરાતોમાં થતો ખર્ચ ઓછો કરે, તો કદાચ પ્રજા પણ સ્વેચ્છાએ સાથ આપે. પરંતુ જ્યારે નેતાઓ પોતે શાહી જીવન જીવે અને જનતાને કરકસરના પાઠ ભણાવે, ત્યારે લોકશાહીમાં શાસક અને પ્રજા વચ્ચેનું અંતર વધતું જાય છે.

