Chhota Udepur Nursing College Scam: છોટાઉદેપુરની ‘ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગ’ સામે અત્યંત ગંભીર આક્ષેપો ઉઠ્યા છે, જેના કારણે આદિવાસી અને ફ્રીશીપ કાર્ડધારક વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. આ સંસ્થા પર મંજૂરી વગર જ B.Sc. નર્સિંગનો કોર્સ ચલાવવાનો અને વિદ્યાર્થીઓ પાસેથી મનસ્વી રીતે ફી ઉઘરાવવાનો આક્ષેપ છે. જો કોઈ વિદ્યાર્થી ફી ભરવામાં મોડો પડે, તો તેની પાસેથી રોજની ₹100 પેનલ્ટી વસૂલવામાં આવે છે, અને વિરોધ કરનારાઓને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપવામાં આવે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અહીં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને ઓફિશિયલ રજીસ્ટ્રેશન માટે વડોદરાની લક્ષ્મી નારાયણ કોલેજમાં ધક્કા ખાવા પડે છે. આમ, ફી છોટાઉદેપુરમાં લેવાય છે પણ વિદ્યાર્થીઓ વડોદરાની કોલેજમાં નોંધાયેલા બતાવવામાં આવે છે.
હોસ્ટેલની અમાનવીય સ્થિતિ અને શૈક્ષણિક ગેરરીતિ
વિદ્યાર્થીઓએ કોલેજની સુવિધાઓની પોલ ખોલતા જણાવ્યું કે, ઓફિસના રજીસ્ટરમાં હોસ્ટેલમાં ચાર રૂમ હોવાનું દર્શાવાયું છે, પરંતુ વાસ્તવમાં માત્ર બે રૂમમાં 100 જેટલા વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ રહેવું પડે છે, અને પૌષ્ટિક ભોજન પણ મળતું નથી. વિદ્યાર્થીઓના એડમિશન સમયે લેવાયેલા ઓરિજિનલ દસ્તાવેજો પરત આપવામાં આવતા નથી. નર્સિંગ માટે અનિવાર્ય એવી લેબોરેટરીની પણ સંસ્થામાં કોઈ વ્યવસ્થા નથી. આ સાથે જ, જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા જ નથી, તેમના નામે પણ બારોબાર ફૂડ બિલ ઉપાડી લેવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગરીબ વિદ્યાર્થીઓને મળવાપાત્ર છેલ્લા બે વર્ષની શિષ્યવૃત્તિ પણ કોલેજ તંત્ર દ્વારા દબાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ છે.
યુવરાજસિંહ જાડેજાનું સમર્થન અને ઉગ્ર માંગ
ન્યાય માટે ત્રણ-ત્રણ વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, આખરે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પીડિતોના સમર્થનમાં મેદાને આવ્યા છે. યુવરાજસિંહ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે લઈને રેલી સ્વરૂપે આદિજાતિ વિકાસ કચેરી પહોંચ્યા હતા અને જવાબદાર અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે આ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ થાય અને જે પણ જવાબદાર હોય તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. શિક્ષણના નામે ચાલતા આ શોષણ સામે વિદ્યાર્થીઓએ હવે ન્યાયની આશા સાથે લડત તેજ કરી છે, ત્યારે શિક્ષણ વિભાગ આ મામલે ક્યારે ગંભીરતા દાખવશે તે જોવું રહ્યું.

