Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વસતા યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય અને વર્તમાન શિક્ષણ પ્રણાલી સામે ભારે ચિંતા ઉપજાવતા એક અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સત્તાવાર આંકડાકીય માહિતી સાથે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે કે, રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં (૨૦૨૦-૨૧ થી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન) કુલ ૧,૦૬૩ વિદ્યાર્થીઓએ હતાશામાં આવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ દિલ કંપાવનારી સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, એકલા વર્ષ ૨૦૨૪-૨૫માં જ ૫૬૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતમાં સરેરાશ દર ૧૫ કલાકે એક વિદ્યાર્થી મોતને ભેટી રહ્યો છે.
પરીક્ષાના કૌભાંડો, પેપર લીક અને ભવિષ્યની અનિશ્ચિતતાએ યુવાનોને તોડી નાખ્યા
વિદ્યાર્થીઓમાં સતત વધી રહેલી આત્મહત્યાની પ્રવૃત્તિ પાછળ દેશ અને રાજ્યની કથળેલી સિસ્ટમ મુખ્ય કારણ હોવાનો દાવો કરાયો છે. ડૉ. મનીષ દોશીના જણાવ્યા મુજબ, દિવસ-રાત કાળી મજૂરી કરીને વાલીઓ લાખો રૂપિયાની ફી ભરે છે, પરંતુ NEET, JEE, CUET, GPSC અને UPSC જેવી મહત્વની પરીક્ષાઓમાં થતા પેપર લીક, અવારનવાર સામે આવતા ભરતી કૌભાંડો અને પરિણામોમાં થતો વર્ષોનો વિલંબ મહેનતુ યુવાનોને માનસિક રીતે પાયમાલ કરી દે છે. લાખો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે જે પરીક્ષાઓ પર આધાર રાખે છે, તે કૌભાંડોના કારણે રદ થાય ત્યારે તેમના સપના ચકનાચૂર થઈ જાય છે અને રોજગારની કોઈ ગેરંટી ન હોવાથી તેઓ ઘોર નિરાશામાં ડૂબી જાય છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રાષ્ટ્રીય આંકડા પણ સમાન રીતે ડરામણા
આ કટોકટી માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના સત્તાવાર ડેટા અનુસાર, વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન દેશભરમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૬૩,૯૧૫ માસૂમ બાળકો અને કિશોરોએ આપઘાતનો માર્ગ પસંદ કર્યો છે, એટલે કે દેશમાં રોજની સરેરાશ ૪૦ થી વધુ કલિયો ખીલતા પહેલા જ મુરઝાઈ જાય છે. આ ઉપરાંત, છેલ્લા વર્ષોમાં ૩૦ વર્ષથી ઓછી ઉંમરના ૧૨,૫૯૮ યુવાનોએ કેવળ પરીક્ષામાં અસફળ રહેવાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. માત્ર વર્ષ ૨૦૨૪ ના એક જ વર્ષમાં દેશભરમાં ૧૪,૪૮૮ વિદ્યાર્થીઓની આત્મહત્યા સાથે આ ગ્રાફમાં ૧૬% નો તોતિંગ વધારો નોંધાયો છે જે લાલબત્તી સમાન છે.
ભાજપ સરકાર પર આકરા પ્રહારો સાથે કોંગ્રેસે રજૂ કરી ૫ મુખ્ય માંગણીઓ
વિદ્યાર્થીઓના મોતના આંકડા પર રાજ્ય સરકારને આડે હાથ લેતા કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર માત્ર મોટી જાહેરાતોમાં વ્યસ્ત છે પરંતુ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર નથી. ડૉ. દોશીએ આ ગંભીર આપત્તિમાંથી બહાર આવવા પાંચ મહત્વની માંગણીઓ મૂકી છે, જેમાં પેપર લીકના દોષિતો સામે કડક સજા આપતો વિશેષ કાયદો બનાવવો, દરેક શાળા-કોલેજમાં ૨૪x૭ માનસિક કાઉન્સેલિંગ હેલ્પલાઇન શરૂ કરવી, તમામ ભરતી પ્રક્રિયા પારદર્શક અને સમયબદ્ધ કરવી, વિદ્યાર્થીઓના આપઘાત રોકવા રાષ્ટ્રીય સ્તરે વિશેષ તપાસ કમિશન બનાવી નીતિ ઘડવી અને કૌભાંડોમાં સંડોવાયેલા મોટા સરકારી અધિકારીઓ કે રાજકીય નેતાઓની જવાબદારી નક્કી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સામેલ છે.

