Child Safety Crisis: ગાંધીનગર, રાજકોટ અને નવસારીમાં નિર્દોષ બાળકોની હત્યાએ માતૃત્વ, માનસિક તણાવ અને સુરક્ષા વ્યવસ્થાની હકીકત ઉજાગર કરી

Arati Parmar
3 Min Read

Child Safety Crisis: છેલ્લા બે દિવસમાં ગુજરાતના ત્રણ અલગ અલગ વિસ્તારોમાંથી આવેલી ઘટનાઓએ દરેક સંવેદનશીલ હૃદયને ઝંઝોળી નાખ્યું છે. ગાંધીનગર, રાજકોટ અને નવસારીમાં માસૂમ બાળકોની હત્યા થતાં માત્ર કાયદો અને સુરક્ષા નહીં, પરંતુ સમાજના માનસિક સ્વાસ્થ્ય અંગેની અવગણના પણ સ્પષ્ટ દેખાઈ છે. ત્રણેય કિસ્સાઓની પરિસ્થિતિ જુદી હોવા છતાં, એક વાત સાજી છે—સમાજ તૂટતો જઈ રહ્યો છે, અને સૌથી વધુ ઘા પડે છે નિર્દોષ બાળકો પર.

ગાંધીનગર: ઘરથી મળેલી લાશ અને ગામમાં ફેલાયેલો ભય

ગાંધીનગરના રાયપુર ગામમાં 9 વર્ષની બાળકી બે દિવસથી ગુમ હતી, પરંતુ તેની લાશ પોતાના જ ઘરના પાછળના ભાગમાં પ્લાસ્ટિકના કોથળામાં મળી આવતા સમગ્ર વિસ્તાર સન્નાટામાં છવાઈ ગયો. પરિવારને સુરક્ષિત ગણાતી જગ્યા જ મોતનું મેદાન બની ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે અને વિવિધ તપાસ ટુકડીઓ સક્રિય થઈ છે. આ ઘટના એ બતાવે છે કે, બાળસુરક્ષા માટે ઘરની અંદરનું જોખમ પણ એટલુ જ ઘાતક બન્યુ છે જેટલુ બહારનું.

- Advertisement -

રાજકોટ: પુત્રપ્રેમ અને માનસિક તણાવનો ઘાતક ટકરાવ

રાજકોટના નવાગામ વિસ્તારમાં 32 વર્ષની માતા અસ્મિતાબેન સોલંકીએ પોતાની બે પુત્રીઓ—પ્રિયાંશી (7) અને હર્ષિતા (5)—ની હત્યા કર્યા પછી પોતે પણ જીવ લીધી દીધો. તપાસમાં પતિએ જણાવ્યું કે પત્નીને પુત્રની ઇચ્છા પૂરી ન થતા તે સતત તણાવમાં રહેતી હતી. પેઢીઓથી ચાલતા આવેલા પુત્રમોહે સમાજમાં અનેક પરિવારોને ઘેલા બનાવ્યા છે. કાયદા બની ગયા, પરંતુ વિચારધારા બદલવામાં સમાજ હજુ પણ ઘણો પાછળ છે. આ માનસિક દબાણ ઘણી વાર સ્ત્રીઓને અંદરથી તોડી નાખે છે અને અંતે આવી હૃદયદ્રાવક ઘટનાઓ સર્જાય છે.

નવસારીના દેવસર ગામે પરિવારે કલ્પના પણ ના કરી હોય તેવું બન્યું. એક માતાએ મધરાતે આવેલા ‘ભયાનક સપના’ના આદેશમાં પોતાના બે બાળકોની ગળું દબાવી હત્યા કરી દીધી. ઘટના બાદ તેણે ઘરના સસરા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કિસ્સો સ્પષ્ટ કરે છે કે ગંભીર માનસિક વિક્ષેપ (Delusion) કેવી રીતે વ્યક્તિની સમજશક્તિ છીનવી શકે છે અને તેને અતિભયંકર પગલા ભરવા મજબૂર કરી શકે છે. માનસિક સ્વાસ્થ્યની અવગણના આજે સમાજમાં એક છુપાયેલો વિસ્ફોટક બોમ્બ બની ગઈ છે.

- Advertisement -

સમાજની જવાબદારી: કાયદો પૂરતો નથી

ત્રણેય ઘટનાઓ એક વાત સ્પષ્ટ રીતે સમજાવે છે—આ માત્ર ગુનાખોરી નથી, પરંતુ ગંભીર સામાજિક અને માનસિક સમસ્યાઓનું પ્રતિબિંબ છે. પુત્રમોહ, ડિપ્રેશન, પરિવારમાં તણાવ, માનસિક બિમારી અને સુરક્ષા અંગેની બેદરકારી—આ બધા કારકો મળી આવી પરિસ્થિતિ ઉભી કરે છે. ગુજરાત જેવા રાજ્યમાં બાળકોની હત્યા જેવી ઘટનાઓ થવી, ખાસ કરીને પાટનગર જેવા વિસ્તારમાં, બતાવે છે કે કાયદો અને વ્યવસ્થા પૂરતી નથી જો સમાજની વિચારસરણી અને માનસિક આરોગ્યને મહત્વ ન અપાય.

 અંતિમ વાસ્તવિકતા

આ ત્રણ ઘટનાઓ એ સૂચવે છે કે, સમાજના મૂળભૂત મૂલ્યો ક્યાંક ખસી રહ્યા છે. બાળકોની સુરક્ષા માત્ર પોલીસ કે કાયદાની નહીં, પરંતુ કુટુંબ, સમાજ અને માનસિક સ્વાસ્થ્ય વ્યવસ્થાની સંયુક્ત જવાબદારી છે. જો માનવતાની આ લડતમાં આપણે હજુ જાગીશું નહીં, તો આવી કરુણ ઘટનાઓની સંખ્યા ઘટાડવી અત્યંત મુશ્કેલ બનશે.

- Advertisement -
Share This Article