Gujarat Weather Update : કેરળ અને મુંબઈ સુધી ચોમાસુંં વહેલું આવ્યા બાદ મહારાષ્ટ્ર અને મુંબઈથી આગળ વધવાના બદલે ત્યાં અટકી ગયું છે અને હાલમાં કોઈ નવી સિસ્ટમ ન સર્જાતાં સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે દક્ષિણ ગુજરાતમાં 14-15 જૂન પછી વરસાદની પધરામણી થવાની શક્યતા છે.
હવામાન વિભાગના પ્રવક્તાના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 29 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા, હવાનું દબાણ 1002.0 મિલીબાર અને દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી કલાકના 12 કિ.મીની ઝડપે પવન ફુંકાયો હતો. દરમિયાન મંગળવારે બપોરના સમયે પ્રતિ કલાક 25 કિ.મી સુધીની ઝડપે પવન ફૂંકાયો હતો. છેલ્લા ઘણા દિવસોથી વાદળો બંધાય છે પણ કેટલાક વિસ્તારોમાં રાત્રિના કે દિવસના પૂર ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડે છે. પરંતુ નિયમિત વરસાદ વરસતો નથી.
આ અંગે હવામાન વિભાગના વિજ્ઞાનીઓ જણાવે છે કે આ વર્ષે ચોમાસાની વહેલી એન્ટ્રી તો થઈ છે પણ કેરળમાંથી ચોમાસુંં આગળ વધીને મુંબઈ સુધી આવીને અટકી ગયું છે. આ ચોમાસુંં ગુજરાત તરફ આગળ વધવાની જગ્યાએ ત્યાં જ વરસી રહ્યો છે. આ બ્રેક અંગે અરબી સમુદ્ર પર રત્નાગીરી અને મહાબળેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી. તે સિસ્ટમના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ આ સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ ગઈ હતી. આથી ચોમાસુંં આગળ વધી શક્યું નથી.
હવે અરબી સમુદ્ર પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. દર વર્ષે મે મહિનાના અંતે કે જૂનની શરુઆતમાં વરસાદના ઝાપટાં પડતાં હોય છે. પરંતુ વિધિવત વરસાદની તો 14 અને 15 જૂન પછી જ પધરામણી થતી હોવાથી આ વર્ષે પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાબેતા સમય મુજબ 14 અને 15 જૂન પછી જ ચોમાસુંં એન્ટ્રી કરે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.