Congress Ex CM News: મતચોરી અને SIRમાં મનસ્વી નિર્ણયો લેવા બદલ CEC જ્ઞાનેશ કુમાર સામે આરપારની લડાઈ લડી રહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી BJPના નિશાન પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલાં તેમને સીધા નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આવી સ્થિતિમાં જ્યારે દિલ્હીમાં રાજકીય ગરમાવો છે, ત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલા સહિત પાંચ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ કોંગ્રેસમાં ઘરવાપસી કરવા માગે છે. શંકરસિંહ વાઘેલા ખુલ્લેઆમ પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ વાઘેલાની વાપસીનો ન તો ઇનકાર કર્યો છે કે ન તો તેઓ પાછા ફરી રહ્યા હોવાનું કહ્યું છે. તેમણે માધ્યમોના સવાલના જવાબમાં કહ્યું કે કંઈ થશે તો સૌથી પહેલાં તમને જણાવીશ.
મુશ્કેલ સમયમાં સાથ છોડી દીધો હતો
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે રાહુલ ગાંધી વિવિધ પ્રાદેશિક પક્ષો નબળા પડી રહ્યા હોવા છતાં અને મતચોરી-SIRના મુદ્દે વિરોધ કરીને મોટો સંદેશ આપવામાં સફળ રહ્યા છે. તેના કારણે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાંચ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ કોંગ્રેસમાં પાછા ફરી શકે છે. તેમાં કેપ્ટન અમરિંદર સિંહ (પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી), ગુલામ નબી આઝાદ (જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી), શંકરસિંહ વાઘેલા (ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી), અશોક ચવ્હાણ (મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી) અને કિરણ કુમાર રેડ્ડી (આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી)નાં નામ લેવામાં આવી રહ્યાં છે.
વાઘેલાએ જ ખુલ્લેઆમ ઇચ્છા વ્યક્ત કરી
જોકે, વાઘેલાને બાદ કરતાં કોઈપણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ પોતે કોંગ્રેસમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી નથી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો આ પાંચ મુખ્યમંત્રીઓમાંથી કોઈ પણ કોંગ્રેસમાં પાછા ફરે તો રાજકીય ચર્ચાનો પ્રવાહ બદલાશે. આમાંના મોટાભાગના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓએ મુશ્કેલ સમયમાં પક્ષનો સાથ છોડી દીધો હતો. સવાલ ઊભો થઈ રહ્યો છે કે રાહુલ ગાંધી કોના માટે પાછા ફરવાના દરવાજા ખોલશે. અશોક ચવ્હાણને બાદ કરતાં બાકીના ચાર ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ પાસે રાજકીય રીતે કોઈ મોટું પદ નથી.
અમરિંદરને પોતાના પ્રિય અંકલ ગણાવ્યા હતા
રાહુલ ગાંધીએ Gen Zના વિરોધ પ્રદર્શનો દરમિયાન પંજાબના ભૂતપૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કર્યું હતું. BJPમાં તેમને પોતાના પ્રિય નેતા ગણાવ્યા હતા. ત્યારથી એવી ચર્ચા થઈ રહી છે કે શું પંજાબની ચૂંટણીઓ પહેલાં અમરિંદર સિંહ ઘરવાપસી કરશે. તેઓ એક વખત કોંગ્રેસ છોડીને ફરી પાછા ફરી ચૂક્યા છે. કેપ્ટન અમરિંદર સિંહ BJPમાં છે. તેમની પાસે કોઈ મોટું પદ નથી. એ જ રીતે ગુલામ નબી આઝાદ હાલમાં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના સ્થાપક અને મુખ્ય સંરક્ષક (ચેરમેન) છે. તેમણે ઑગસ્ટ 2022માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને સપ્ટેમ્બર 2022માં પોતાના નવા રાજકીય પક્ષની રચના કરી હતી.
કિરણ કુમાર રેડ્ડી પાસે કોઈ પદ નથી
કિરણ કુમાર રેડ્ડી અવિભાજિત (સંયુક્ત) આંધ્ર પ્રદેશના 16મા મુખ્યમંત્રી રહ્યા છે. મુખ્યમંત્રી બનતાં પહેલાં તેઓ આંધ્ર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ, વિધાનસભાના સભ્ય અને મુખ્ય દંડક રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2023માં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને હાલમાં BJPના સભ્ય છે. અશોક ચવ્હાણ હાલમાં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ BJPના સભ્ય છે. એપ્રિલ 2024થી તેઓ સંસદના ઉપલા ગૃહ (રાજ્યસભા)ના સભ્ય તરીકે કાર્યરત છે. ફેબ્રુઆરી 2024માં તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો સાથ પકડ્યો હતો. આ પહેલાં તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

