Cyber Bank Fraud Bhavnagar: ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં હોળી-ધુળેટીની રજાઓ દરમિયાન એક ચોંકાવનારી સાયબર લૂંટની ઘટના સામે આવી છે. શુક્રવારે સાંજે જ્યારે બેન્ક બંધ થઈ ત્યારે હિસાબ મુજબ ૭૦ લાખ રૂપિયાની લેવડદેવડ થઈ હતી, પરંતુ સોમવારે બેન્ક ખુલતા જ કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. બેન્કની સિસ્ટમમાં ૭૦ લાખને બદલે સાત કરોડ રૂપિયા ઉપડ્યા હોવાનું દેખાતું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રજાના દિવસોમાં જ મોબાઈલ બેન્કિંગ દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. સાયબર ગેંગે બેન્કની સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીનો લાભ ઉઠાવીને આ આખું કૌભાંડ આચર્યું હતું.
કોર બેન્કિંગ સિસ્ટમ હૅક કરી આચર્યું કૌભાંડ
ગુજરાતમાં આ પ્રકારનો આ પહેલો કિસ્સો છે જેમાં હેકર્સે બેન્કની ‘કોર બેન્કિંગ સર્વિસ સિસ્ટમ’ (CBS) ને જ હૅક કરી લીધી હતી. સાયબર ગેંગે સિસ્ટમમાં રહેલા એક ‘બગ’ એટલે કે ટેકનિકલ ખામી શોધી કાઢી હતી. આ ખામીની મદદથી હેકર્સે રજાના દિવસે ચાર અલગ-અલગ શાખાઓના સેવિંગ અને કરન્ટ એકાઉન્ટમાં ઘૂસણખોરી કરી હતી. જે ખાતામાં માત્ર ૧૨૦૦ કે ૧૫૦૦ રૂપિયા હતા, તેમાં આંકડાઓ બદલીને કરોડો રૂપિયા જમા બતાવી દીધા હતા. ત્યારબાદ પોતાના મોબાઈલ નંબર રજિસ્ટર કરી આ રકમ દેશભરની ૧૩૫ અલગ-અલગ બેન્કોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી.
સાત લેયરમાં થયેલા ટ્રાન્ઝેક્શન અને પોલીસની તપાસ
આ કેસની તપાસ કરી રહેલા સાયબર સેલના અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓએ પકડાઈ ન જવાય તે માટે પૈસાને સાત અલગ-અલગ લેયરમાં ટ્રાન્સફર કર્યા હતા. પોલીસને તપાસ દરમિયાન એક મહિલાના ખાતામાંથી ૧૦ લાખ રૂપિયા ઉપડ્યા હોવાની કડી મળી હતી. સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે તે મહિલા મીનાબહેન નહીં પણ અમદાવાદની રૂબીના શેખ હતી. રૂબીનાની ધરપકડ બાદ કૌભાંડના અન્ય છેડા ખુલ્યા હતા. આ ટોળકીમાં અદનાન શેખ, સુશીલ મેઘવાળ અને મહારાષ્ટ્રના હોમગાર્ડ કિશોર પરદેશીનો સમાવેશ થાય છે, જેઓ કમિશન મેળવીને આ રીતે બેન્કમાંથી પૈસા ઉપાડતા હતા.
વિદેશી કનેક્શન અને વધુ ૧૫ બેન્કો હતી નિશાના પર
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ સ્થાનિક આરોપીઓ કોઈ મોટી વિદેશી સાયબર ગેંગ માટે કામ કરી રહ્યા હતા. મહારાષ્ટ્રનો કિશોર પરદેશી આ ગેંગ માટે ‘મ્યુલ એકાઉન્ટ’ (ભાડે રાખેલા ખાતા) પૂરા પાડતો હતો અને પોતે પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપીને અન્ય લોકોને સુરક્ષાનો વિશ્વાસ આપતો હતો. આ ગેંગના નિશાને દેશની વધુ ૧૫ બેન્કો હતી, પરંતુ ગુજરાત સાયબર ક્રાઈમે સમયસર આ સોફ્ટવેર બંધ કરાવીને વધુ મોટી છેતરપિંડી અટકાવી દીધી છે. હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તપાસ ચાલુ છે.

