Rajkot Wockhardt Hospital News: રાજકોટની જાણિતી વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. સ્કૂટર પરથી જતાં એક બાળકને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેને 8 ટાંકા લગાવવામાં આવ્યા હતા. તેમની પાસે મેડિક્લેમ હોવાનું પરિવારે જણાવતાં તેને 24 કલાક માટે દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા આ નજીવી સારવારનું બિલ 1.60 હજાર પકડાવી દેવાતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. હોસ્પિટલના બિલ મુજબ એક ટાંકાનો ચાર્જ 20,000 રૂપિયા ગણી શકાય. સામાન્ય સર્જરીનું તોતિંગ બિલ પકડાવી દેતાં વિવાદ સર્જાયો હતો અને બાળકના દાદાએ કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના હેનિલ પટેલ નામનો 9 વર્ષીય બાળક સ્કૂટર પડી જતાં તેને શહેરની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકની મેડિક્લેમ હેઠળ સારવાર કરવામાં આવી હતી અને 24 કલાક બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આ બાળકને 8 ટાંકા લેવામાં આવ્યા હતા અને જેનું બિલ 1 લાખ 60 હજાર ફટકારવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેશલેશ સારવાર હોવાછતાં હોસ્પિટલ દ્વારા દર્દીના સગા પાસેથી 10 હજાર રૂપિયા રોકડા પણ ભરાવ્યા હતા. જેમાંથી માત્ર રૂ. 1400નું રિફંડ આપવામાં આવ્યું હતું.
હોસ્પિટલના બિલમાં સવારના સમયે ડોક્ટરની વિઝીટનો ચાર્જ લગાવ્યો હતો, જોકે બાળકને સાંજના સમયે એડમિટ કરવામાં આવ્યો હતો. બાળકને હાથમાં ઓપરેશન કરવામાં આવ્યું ન હતું પરંતુ માત્ર ટાંકા લેવામાં આવ્યા હતા. આ બાબતે બાળકના દાદાએ વાંધો ઉઠાવતાં વોકહાર્ટ હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે. હોસ્પિટલના બિલ મુજબ બિલ મુજબ એક ટાંકાનો ચાર્જ 20,000 રૂપિયા ગણી શકાય. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ સિવાય દેશની કોઈપણ હોસ્પિટલમાં ટાંકા લેવાનો આટલો મોટો ચાર્જ વસૂલવામાં આવતો નથી.
આ પહેલાં જાન્યુઆરી મહિનામાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં એક યુવતીએ ગાદીનું ઓપરેશન કરાવ્યા બાદ પણ દર્દીને રાહત ન મળતાં રિપોર્ટ કરાવ્યા રિપોર્ટ ત્યારે ખબર પડી કે ઓપરેશન થયું જ નથી. યુવતીના પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરવામાં જ આવ્યું નથી. ઓપરેશન બાદ દર્દીને ચાલવા અને બેસવામાં મુશ્કેલી વધતાં દર્દીને રાહત મળવાને બદલે મુશ્કેલી વધી હતી.

