અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતમા આજે અનેક જગ્યાએ રાવણ દહન સાથે વિજયાદશમી ઉજવણી કરાશે. ગુજરાતમાં દશેરાનો દિવસ હોય અને ગુજરાતીઓ ફાફડા-જલેબી ના ખાય તેવુ બની શકે નહીં. ગુજરાતમાં ફાફડા જલેબીનો ક્રેઝ એ હદે છે કે, છેલ્લા નોરતેથી શહેરમાં ફાફડા-જલેબીનું વેચાણ શરુ થઈ જાય છે. શહેરોમાં એક દિવસ પહેલાથી જ ફરસાણના વેપારીઓને ફાફડા જલેબીના એડવાન્સ બુકિંગ મળી ગયા છે. બીજી તરફ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનુ વેચાણ અટકાવવા આરોગ્ય વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ વેચાણ દરમિયાન ઠેર-ઠેર ચેકીંગ ઝુબેશ હાથ ધરશે.
અમદાવાદમાં આ વર્ષે પણ દશેરાના એક દિવસ પહેલાથી દુકાનો પર અને રસ્તાઓ પર ઠેર ઠેર સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. અમદાવાદમાં એક અંદાજ મુજબ આજે લગભગ 500 જેટલી દુકાનો પર ફાફડા જલેબીનું વેચાણ થશે. જ્યાં ત્રણથી ચાર દિવસ અગાઉથી ફાફડા-જલેબી બનાવવાનું શરુ થઈ જાય છે. આ વર્ષે બેસન, તેલ અને ઘીના ભાવમાં વધાર થયો હોવાથી ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 60 થી રૂ. 80નો વધારો થયો છે.

