ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં શુક્રવારે ગણપતિ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબી ગયા હતા.
ગાંધીનગર, 13 સપ્ટેમ્બર. જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં શુક્રવારે ગણપતિ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબી ગયા હતા. 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બાકીના 2 લોકોની શોધખોળ ચાલુ છે. સ્થાનિક પ્રશાસને આ જાણકારી આપી.
અધિકારીએ જણાવ્યું કે 8 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. છેલ્લા 6 દિવસમાં ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબી જવાની આ ચોથી ઘટના છે, જેમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. બુધવારે પાટણમાં 4, નડિયાદમાં 2 અને જૂનાગઢમાં એક યુવકના મોત થયા હતા.

વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ સહિત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

