હુમલાના બે મહિના પહેલા જ્યોતિએ પહલગામ સહિતના કાશ્મીરના સ્થળોની મુલાકાત પણ લીધી હતી
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે જ્યોતિ મલ્હોત્રા વિદેશમાં ફરવાનો શોખ ધરાવે છે. તે પાકિસ્તાનીઓની મદદથી ચીન, પાકિસ્તાન સહિત આઠ દેશોની યાત્રા કરી ચુકી હતી. જ્યોતિ પાકિસ્તાનમાં એવી જગ્યાઓની મુલાકાત લઇ ચુકી છે જ્યાં પાકિસ્તાની નાગરિકો માટે જવુ પણ મુશ્કેલ છે. આ બધુ પાકિસ્તાનના ટોચના નેતાઓ અને અધિકારીઓની મદદ વગર શક્ય નથી. જ્યોતિની પાક.ના નેતા મરિયમ નવાઝ સાથેની તસવીર પણ સામે આવી છે. તાજેતરમાં ભારતે પાકિસ્તાનમાં આતંકી સ્થળોના નાશ માટે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું જે બાદ પણ જ્યોતિ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતી. જોકે તેણે કોઇ સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડી હોવાની જાણકારી હજુ સુધી બહાર નથી આવી. હિસાર પોલીસ જ્યોતિની વધુ પૂછપરછ કરી રહી છે.
જ્યોતિ અનેક વખત પાકિસ્તાનની મુલાકાત લઇ ચુકી છે, તેને પાકિસ્તાનીઓ પોતાના દેશમાં રહેવા જમવા અને ટ્રાવેલિંગ સુધીનો ખર્ચો આપતા હતા. તેની મોટાભાગની મુલાકાતો પહલગામ હુમલા પહેલાની હતી. હિસારના એસપીએ કહ્યું હતું કે હાલ યુદ્ધ માત્ર સરહદે નથી લડાઇ રહ્યું, પાકિસ્તાની એજન્ટો ભારતના સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યૂએન્સર્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાની એજન્ટો તેમનો સંપર્ક કરે છે. જ્યોતિ દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઇ કમિશનના કર્મચારી દાનિશના સંપર્કમાં હતી, ગયા વર્ષે તે દાનિશ સાથે પાક. હાઇ કમિશનમાં ઇફ્તાર પાર્ટી માટે પણ ગઇ હતી. જ્યોતિ હાલ પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે જ્યાં તેની આકરી પૂછપરછ કરાઇ રહી છે.
પાકિસ્તાની એજન્ટો જ્યોતિને પોતાની સંપત્તિ તરીકે તૈયાર કરી રહ્યા હતા. જ્યોતિ અન્ય યુટયુબ ઇન્ફ્લ્યૂએન્સર્સના સંપર્કમાં હતી, જેઓ પણ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં રહ્યા હતા. પાકિસ્તાની એજન્ટો આ યુટયુબર્સનો ઉપયોગ પોતાના જુઠ્ઠાણા લોકો સુધી પહોંચાડવા કરતા હતા. જ્યોતિ ભારતમાં જે પણ સ્થળોએ ગઇ હતી તેની વિગતો સામે આવી રહી છે. જે મુજબ તેણે ઓડિશાની એક યુટયુબરની સાથે પુરીનો પ્રવાસ કર્યો હતો. હાલ મીડિયાએ જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાનો સંપર્ક કર્યો હતો, જેમાં હરીશ મલ્હોત્રાએ કહ્યું હતું કે જ્યોતિ યુટયુબ વીડિયો બનાવતી હતી, તે પાકિસ્તાન અને અન્ય સ્થળોએ જતી હતી. જોકે કેટલી વખત તે પાકિસ્તાન ગઇ તે મને નથી ખ્યાલ. જ્યોતિના બેંક ખાતાની વિગતો, લેપટોપ, ફોન, પાસપોર્ટ વગેરે લઇ લીધા છે. પિતાએ પુત્રીનો બચાવ કરતા કહ્યું હતું કે જ્યોતિના પાકિસ્તાની મિત્રો હોય તો શું તે તેની સાથે વાતચીત ના કરી શકે? શું તેમને ફોન ના કરી શકે? અમને અમારા ફોન પાછા આપી દો.
પિતા મજૂરીકામ કરે છે જ્યારે જ્યોતિ વૈભવી જીવન જીવતી રહી
જ્યોતિ મૂળ હરિયાણાના હિસારમાં રહે છે. જ્યોતિના પિતા કારપેંટર છે, તેમની આવક બહુ જ મામૂલી છે. ઘરનો ખર્ચો જ્યોતિના કાકાના પેંશન પર ચાલતો હતો. જ્યોતિ પહેલા દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી, તેનો પગાર મહિને ૨૦ હજાર રૂપિયા હતો. જોકે લોકડાઉન સમયે તેની નોકરી છૂટી ગઇ હતી. જે બાદ તે હિસાર પાછી આવી હતી. પછી તેણે યુટયુબ પર ટ્રાવેલ વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. ધીરે ધીરે તેની ચેનલ લોકપ્રિય થવા લાગી હતી અને તે વૈભવી જીવન જીવવા લાગી હતી. પિતા મજૂરી કામ કરે છે જ્યારે પુત્રી વૈભવી જીવન જીવતી હતી. જ્યોતિના આસપાસના પાડોશીઓએ કહ્યું હતું કે તે અમારી સાથે વધુ વાત કરવાનું ટાળતી હતી.