2 ISIS Linked Men Held For Plotting Blasts: તેલંગાણા પોલીસે આંધ્રપ્રદેશની પોલીસ સાથે મળી એક મોટી આતંકવાદી ગતિવિધિનો પર્દાફાશ કર્યો છે. હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે આ મામલે ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ પણ કરી છે. જેમની પાસેથી વિસ્ફોટક પણ જપ્ત કર્યો છે.
આંધ્રપ્રદેશ અને તેલંગાણાના આ સંયુક્ત ઓપરેશમાં વિજયનગરમમાંથી સિરાજ અને હૈદરાબાદમાંથી સમીરની ધરપકડ કરવામાં આવી છે. તેઓ કથિત રૂપે હૈદરાબાદમાં ડમી બ્લાસ્ટની યોજના બનાવી રહ્યા હતાં. સિરાજે વિજયનગરમમાંથી વિસ્ફોટક સામગ્રી મેળવી હતી. બંનેને સાઉદી અરેબિયામાં ISIS ના મોડ્યુલથી નિર્દેશ મળ્યા હતાં. ત્યાંથી હૈદરાબાદમાં હુમલા માટે નિર્દેશ મળી રહ્યાં હતાં.
બંનેની પૂછપરછ
પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ મામલે વધુ લોકો જોડાયેલા હોવાની આશંકા છે. તેલંગાણા કાઉન્ટર ઈન્ટેલિજન્સ અને આંધ્રપ્રદેશની ઈન્ટેલિજન્સના સંયુક્ત ઓપરેશનમાં આ મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.
આતંકવાદ વિરોધી કડક કવાયત
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ પોલીસ અને સુરક્ષાદળો દેશમાં ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી સંદિગ્ધોની ધરપકડ કરી રહ્યા છે. અનેક રાજ્યોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. હાલમાં જ હરિયાણામાંથી બે યુટ્યુબર્સની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
યુટ્યુબર્સની ધરપકડ
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાના હિસારની પ્રખ્યાત યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરી છે. આ મામલે કેન્દ્રીય ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને પુરી પોલીસના સંયુક્ત પ્રયાસોથી અન્ય એક યુટ્યુબર પ્રિયંકા સેનાપતિની પૂછપરછ હાથ ધરાઈ છે.