Operation Sindoor All Party Delegation: ઓપરેશન સિંદૂર ઓલ-પાર્ટી ડેલિગેશનમાં TMC-યુસુફ પઠાણનો ભાગ લેવા ઇનકાર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Operation Sindoor All Party Delegation: પાકિસ્તાનની આતંકવાદ પ્રત્યેની નીતિનો પર્દાફાશ કરવા તેમજ ઓપરેશન સિંદૂરનું સત્ય વિશ્વને જણાવવા તમામ પક્ષોના પ્રતિનિધિમંડળને વિવિધ દેશોમાં મોકલવાના અભિયાનથી મમતા બેનરજીએ અંતર જાળવ્યું છે. મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસે કેન્દ્ર સરકારના આ અભિયાનમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. યુસુફ પઠાણને પણ ભાગ લેતા અટકાવ્યા છે.

તૃણમુલ કોંગ્રેસે જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારના આ ઓલ પાર્ટી ડેલિગેશન અભિયાનનો હિસ્સો નહીં બનીએ. કેન્દ્ર સરકારે ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનું નામ યાદીમાં સામેલ કર્યું હતું. જો કે, ટીએમસીના આ નિર્ણયથી પક્ષે યુસુફ પઠાણને આ અભિયાનનો હિસ્સો બનતાં અટકાવ્યો છે. યુસુફ પઠાણે પણ કેન્દ્ર સરકારને જાણ કરીને કહ્યું છે કે, હું ઉપલબ્ધ નથી.

- Advertisement -

સત્તાવાર કોઈ કારણ આપ્યું નથી

ટીએમસીએ આ નિર્ણય પર સત્તાવાર કોઈ કારણ દર્શાવ્યું નથી. ટીએમસીએ સીધી કેન્દ્ર સરકારને આ અંગે જાણ કરી હતી. કેન્દ્ર સરકાર ઓપરેશન સિંદૂરનું સત્ય વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે જુદા-જુદા રાજકીય પક્ષોની સાત ટીમને અલગ-અલગ દેશમાં મોકલવા જઈ રહી છે. જેમાં તેઓ વિશ્વને પાકિસ્તાનની આતંકવાદ પ્રત્યેની નીતિઓ પણ ઉજાગર કરશે.

કોણ સામેલ થશે આ અભિયાનમાં

આ અભિયાનમાં ભાજપના રવિશંકર પ્રસાદ, બૈજયંત પાંડા, કોંગ્રેસના શશિ થરૂર, જેડીયુના સંજયકુમાર, ડીએમકેના કનિમોઝી, એનસીપી-એસપીના સુપ્રિયા સુલે, અને શિવસેનાના શ્રીકાંત શિંદે સામેલ છે. તેઓ સાત ટીમનું નેતૃત્વ કરશે. જેમાં કુલ 51 રાજનેતાઓને વિદેશ મોકલવામાં આવશે. તેઓ 32 દેશો સહિત બ્રુસેલ્સમાં યુરોપિયન યુનિયનના હેડક્વાર્ટરની પણ મુલાકાત લેશે.

પ્રતિનિધિમંડળમાં સામેલ નેતાઓ

આ પ્રતિનિધિમંડળમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદ, એમજે અકબર, આનંદ શર્મા, વી. મુરલીધરન, સલમાન ખુર્શીદ, એસએસ આહલુવાલિયા સામેલ છે. આ તમામ સાંસદ નથી. તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ગઈકાલે જણાવ્યું હતું કે, વિદેશ નીતિ કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. જેથી આ મામલાની સંપૂર્ણ જવાબદારી સરકારે લેવી જોઈએ.

જયરામ રમેશે પણ કરી ટીકા

સરકારના આ અભિયાનમાં કોંગ્રેસ દ્વારા ભલામણ કરવામાં આવેલા નેતાઓના સ્થાને અન્ય નેતાઓની પસંદગી પર કોંગ્રેસના મુખ્ય સચિવ જયરામ રમેશે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પોતાની નેતાઓને પોતાની અંતરાત્માનો અવાજ સાંભળવા અપીલ કરી હતી. જયરામ રમેશે સરકાર ઓપરેશન સિંદૂર પર રાજનીતિ રમી રહી હોવાનો દાવો પણ કર્યો હતો.

Share This Article