Gandhinagar Shootspace Digital Scam: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ડિજિટલ ટેકનોલોજીના નામે રોકાણકારોને બાટલીમાં ઉતારીને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવવાનું એક બહુ મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાની ડભોડા પોલીસે ટેરાબાઇટ સ્પેસ અને ક્લાઉડ ડેટા સ્ટોરેજના નામે રોકાણકારો સાથે છેતરપિંડી આચરનારી ‘શૂટસ્પેસ ડિજિટલ પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ હાઈટેક સ્કેમમાં સડોવાયેલા બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ઘટના સામે આવ્યા બાદ ડિજિટલ રોકાણ કરનારા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો, ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં કાર્યરત શૂટસ્પેસ ડિજિટલ કંપનીએ રોકાણકારોને આકર્ષવા માટે એક આધુનિક પ્લાન બનાવ્યો હતો. કંપની દ્વારા લોકોને એવી લાલચ આપવામાં આવતી હતી કે જો તેઓ કંપનીમાં ટેરાબાઇટ (TB) સ્પેસ અને ડેટા સ્ટોરેજ ખરીદવા માટે રોકાણ કરશે, તો તેમને દર મહિને ફિક્સ ભાડું, કમિશન અને ખૂબ જ ઊંચો નફો આપવામાં આવશે. આજકાલ ડિજિટલ ડેટાની બોલબાલા હોવાથી અનેક લોકો આ આધુનિક સ્કીમ તરફ આકર્ષાયા હતા અને પોતાના લોહીપરસેવાની કમાણી રોકી દીધી હતી.
પૂરતી કેપેસિટી ન હોવા છતાં ખોટા ડિજિટલ કરાર કરીને છેતર્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કંપની પાસે વાસ્તવમાં કોઈ પૂરતી ડેટા સ્ટોરેજ ક્ષમતા કે સર્વર જ નહોતા. રોકાણકારોને અંધારામાં રાખવા માટે કંપનીના સંચાલકો ખોટા અને નકલી ડિજિટલ કરાર (એગ્રીમેન્ટ) તેમજ બોગસ ઇન્વોઇસ બનાવી આપતા હતા જેથી રોકાણકારોને બધું અસલી લાગે. એટલું જ નહીં, આ શાતિર ઠગો રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા મેળવીને પોતાના અંગત ફાયદા માટે તે નાણાં અન્ય બોગસ કંપનીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ઉચાપત કરી લેતા હોવાના પણ પાકા પુરાવા મળ્યા છે.
આ કેસના મૂળ ફરિયાદી અને તેમના પરિવારજનો પાસેથી કંપનીએ કુલ ૮૪ TB સ્પેસ ખરીદવાના બહાને ૩૨.૭૫ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. શરૂઆતના થોડા મહિના સુધી ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે કંપનીએ નિયમિત ભાડું અને કમિશન ચૂકવ્યું હતું. પરંતુ, એકવાર મોટું રોકાણ આવી ગયા બાદ કંપનીએ અચાનક જ બધી ચુકવણીઓ બંધ કરી દીધી હતી અને ઓફિસો બંધ કરીને ગાયબ થઈ ગયા હતા. હાલની તપાસ મુજબ, આ ટોળકીએ ૧૨થી વધુ રોકાણકારોના આશરે ૪.૯૦ કરોડ રૂપિયા ફસાવી દીધા છે અને આ આંકડો હજુ વધી શકે છે.
મામલાની ગંભીરતા જોઈને ‘સીટ’ (SIT) ની રચના અને બે આરોપીઓ જેલભેગા
ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ગાંધીનગર રેન્જ ડીઆઈજી અને એસપીના સીધા માર્ગદર્શન હેઠળ આ કૌભાંડની ઊંડી તપાસ માટે એક ખાસ એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવી છે. ડભોડા પોલીસે ગુનાહિત ષડયંત્ર હેઠળ ભારતીય ન્યાય સંહિતા અને જીપીઆઈડી (GPID) એક્ટ મુજબ ગુનો નોંધીને ‘ક્લાઉડજી ડિજિટલ પ્રાઈવેટ લિમિટેડ’ ના ડાયરેક્ટર અરૂણભાઈ પટેલ (રહે. અરવલ્લી) અને ‘શૂટસ્પેસ ડિજિટલ’ ના ઝોનલ મેનેજર સચિન પટેલ (રહે. અમદાવાદ) ની ધરપકડ કરી છે.
નાણાકીય વ્યવહારોની તપાસ અને સાવચેત રહેવા પોલીસની અપીલ
એસઆઈટીની ટીમ હાલમાં પકડાયેલા બંને આરોપીઓના તમામ બેંક ખાતાઓ, નાણાકીય વ્યવહારો અને આ કૌભાંડમાં પડદા પાછળ રહીને મદદ કરનારા અન્ય સહયોગીઓની કુંડળી ખંખાલી રહી છે. ગાંધીનગર એસપીએ મીડિયા સમક્ષ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ પર આવી વધુ નફો અને ઘરબેઠા ફિક્સ ભાડું આપવાની લાલચ આપતી અજાણી ડિજિટલ કંપનીઓ કે સ્કીમોમાં આંધળું રોકાણ કરવું નહીં, નહિતર આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.

