Gift City Shahpur Metro: મેટ્રોનું નવું નજરાણું: ગિફ્ટ સિટીથી શાહપુર સુધી દોડશે અમદાવાદ મેટ્રો, કેન્દ્ર સરકારે ૧૦૬૭ કરોડના પ્રોજેક્ટને આપી મંજૂરી

Arati Parmar
2 Min Read

Gift City Shahpur Metro: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના ગિફ્ટ સિટી (GIFT City) માં મેટ્રો વિસ્તરણને લીલી ઝંડી આપી છે. કેબિનેટે અમદાવાદ મેટ્રોના નોર્થ-સાઉથ કોરિડોરને ગિફ્ટ સિટીથી શાહપુર સુધી મંજૂરી આપી દીધી છે. આ કોરિડોરના વિસ્તરણમાં હવે મેટ્રો ગિફ્ટ સિટીથી આગળ વધીને શાહપુર સુધી ચાલશે. આના પર ૧,૦૬૭.૩૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વિસ્તૃત કોરિડોરની કુલ લંબાઈ ૩.૩૩ કિલોમીટર હશે.

ત્રણ નવા સ્ટેશનનું થશે નિર્માણ

અમદાવાદ મેટ્રોના નોર્થ-સાઉથ કોરિડોરમાં વિસ્તૃત સેક્શનમાં ત્રણ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ગિફ્ટ સિટી હાઉસ, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, અને શાહપુરનો સમાવેશ થાય છે. આ એક્સટેન્શન શરૂ થયા પછી અમદાવાદ અને ગિફ્ટ વિસ્તાર વચ્ચે કનેક્ટિવિટી વધુ સારી થશે. આ એક્સટેન્શન ચાર વર્ષમાં પૂર્ણ થવાનો અંદાજ છે. એક અંદાજ મુજબ ૨૦૨૯ સુધીમાં દરરોજ મુસાફરી કરનારાઓની સંખ્યા ૨૩,૭૦૨ અને ૨૦૪૧ સુધીમાં વધીને ૫૮,૦૫૯ થઈ જશે. આ એક્સટેન્શનને મંજૂરી મળવાથી ગિફ્ટ સિટીનો મુખ્ય એક્ટિવ એરિયા શાહપુર/IIT ગાંધીનગર તરફથી કનેક્ટ થશે.

- Advertisement -

અત્યારે બે શહેરોમાં ચાલી રહી છે મેટ્રો

ગુજરાતના અત્યારે બે શહેરોમાં મેટ્રો ચાલી રહી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. સુરતમાં મેટ્રોનો કેટલોક હિસ્સો ૨૦૨૬ના અંત સુધીમાં ખુલે તેવી આશા છે. જો આમાં વિલંબ થયો તો ૨૦૨૭માં મેટ્રો દોડશે. ગુજરાતમાં અત્યારે અમદાવાદ-ગાંધીનગર વિસ્તારમાં કુલ મેટ્રો નેટવર્ક કવરેજ ૭૧ કિલોમીટરથી વધુનું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ મેટ્રોથી કનેક્ટેડ છે. આ ઉપરાંત અમદાવાદનું કાલુપુર રેલ્વે સ્ટેશન પણ મેટ્રો સાથે જોડાયેલું છે.

Share This Article