Gopal Italia Politics: ગુજરાતના રાજકારણમાં અત્યારે ‘શેરના માથે સવાશેર’ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી જે રણનીતિથી વિરોધ પક્ષોને પછાડતી હતી, હવે તે જ હથિયાર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા તેમની સામે વાપરી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જે રીતે ભાજપે ભાવનાત્મક મુદ્દાઓ અને પરિવારનો ઉપયોગ કરીને જનતાની સહાનુભૂતિ મેળવી છે, તે જ પથ પર હવે ઈટાલિયા ચાલી રહ્યા છે. આક્રમક નિવેદનબાજી અને ભાજપના જ પેંતરાઓનો ઉપયોગ કરીને તેમણે સત્તાધારી પક્ષ માટે એક મોટો પડકાર ઉભો કર્યો છે.
ભાવનાત્મક રાજનીતિ અને માતાના નામે સહાનુભૂતિ મેળવવાનો ખેલ
તાજેતરમાં ગોપાલ ઈટાલિયાના ઘરે જ્યારે પોલીસ સમન્સ બજાવવા પહોંચી, ત્યારે તેમણે પોલીસ અને ગૃહમંત્રી પર પોતાની માતાને હેરાન કરવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ઘટનાને વડાપ્રધાન મોદીની માતા સાથે જોડાયેલા ભૂતકાળના રાજકીય પ્રસંગો સાથે સરખાવવામાં આવી રહી છે. ઈટાલિયા હવે સમજી ગયા છે કે જનતાના હૃદય સુધી પહોંચવા માટે ભાવનાત્મક કાર્ડ રમવું અનિવાર્ય છે. જોકે, આ આક્ષેપો બાદ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા વિવાદ વધુ વકર્યો છે, પરંતુ ઈટાલિયાએ તેને ટેકનોલોજીની કરામત ગણાવીને ભાજપને તેમની જ શૈલીમાં વળતો જવાબ આપ્યો છે.
આફતને અવસરમાં પલટવાની કળા અને બદલાતા રાજકીય સમીકરણો
રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે શત્રુ હોતું નથી, એ વાત ગોપાલ ઈટાલિયા સારી રીતે શીખી ગયા છે. પોલીસ કેસો અને કાયદાકીય ગુંચવણો જેવી આફતોને તેઓ જનતા વચ્ચે જઈને ‘અવસર’માં પલટી રહ્યા છે. ભાજપના નેતાઓ ભલે તેમના નિવેદનોને જુઠ્ઠાણા ગણાવતા હોય, પરંતુ સામાન્ય જનતામાં તે ચર્ચાનો વિષય બને છે તે જ ઈટાલિયાની સફળતા છે. અગાઉ ભાજપ જે રીતે જુઠ્ઠાણાને પણ સાચું સાબિત કરવાની ક્ષમતા ધરાવતું હતું, હવે તે જ ક્ષમતા સાથે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકીય મેદાનમાં ભાજપની સામે મજબૂતાઈથી ઉભી છે.
વિકાસના મુદ્દાઓ પાછળ ધકેલાયા અને ઈમોશનલ કાર્ડની બોલબાલા
ગુજરાતની રાજનીતિ હવે વિકાસ અને પાયાની સુવિધાઓના મુદ્દાઓથી ખસીને વ્યક્તિગત આક્ષેપો અને ઈમોશનલ ડ્રામા તરફ વળી રહી છે. ભાજપ અને ‘આપ’ વચ્ચેનું આ શબ્દયુદ્ધ મતદારો પર સીધી અસર કરી રહ્યું છે. ગોપાલ ઈટાલિયા જેવી રીતે ભાજપને તેમની જ રણનીતિથી ઘેરી રહ્યા છે, તેનાથી ભાજપના નેતાઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. આ લડાઈ હવે માત્ર સત્તાની નથી રહી, પરંતુ કોણ વધુ સારી રીતે જનતાને ભોળવી શકે છે તેની બની ગઈ છે. ૨૦૨૬ની ચૂંટણીમાં આ ‘શેર-સવાશેર’નો જંગ નિર્ણાયક સાબિત થશે.

