Gujarat ACB : ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Gujarat ACB) જે ભ્રષ્ટાચાર વિરોધી લડતમાં અગ્રણિ ભૂમિકા ભજવે છે, ત્યાં જ ગોઠવણ અને બેદરકારીના ગંભીર આરોપો સામે આવી રહ્યાં છે. ગુજરાત તકેદારી આયોગ (Gujarat Vigilance Commission) દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ છેલ્લા કેટલાંક વર્ષોમાં ACBની કામગીરીમાં અનેક અનિયમિતતાઓ જણાઈ આવી છે.
ACB સામે તકેદારી આયોગનો આક્ષેપ
ગુજરાત તકેદારી આયોગના 2023ના વાર્ષિક અહેવાલ મુજબ, Gujarat ACB પાસે 2019 પૂર્વના 1173 કેસો હજુ પણ અટકેલાં છે. લાંબા સમયથી કેસો પેન્ડિંગ રહેતા સાક્ષીઓની ઉપલબ્ધતા ઘટી જાય છે, જેનાથી ભ્રષ્ટાચારના આરોપીઓને બચવાનો મોકો મળે છે.
રાજ્યની અદાલતોમાં 2262 કેસો પડતર
ACBમાં મંજૂર જગ્યાઓ અને હાજર સ્ટાફ વચ્ચે મોટો તફાવત હોવાથી કેસો ઉકેલવામાં વિલંબ થાય છે. 2023ના ડેટા મુજબ, રાજ્યની જુદીજુદી અદાલતોમાં 2262 કેસો હાલ પેન્ડિંગ છે. શહેર મુજબ જોતા, અમદાવાદમાં 224, સુરતમાં 215, વલસાડમાં 146, વડોદરામાં 103 અને બનાસકાંઠામાં 101 કેસો હજુ બાકી છે.
લાંચના કેસોમાં સાબિતીનો નબળો દર
2019થી 2023 વચ્ચે ACB માત્ર 141 કેસોમાં આરોપીઓને દોષિત સાબિત કરી શકી, જ્યારે 228 કેસો અદાલતમાં સાબિત કરવામાં નિષ્ફળ ગયા. વર્ષવાર આંકડા જણાવે છે કે, 2023માં કુલ 109 કેસોમાંથી 36 સાબિત થયા, જ્યારે 49 કેસોમાં આરોપીઓ છૂટી ગયા. આમ, ACBની તપાસ અને ન્યાય પ્રક્રિયામાં ખામીઓ દેખાઈ આવી રહી છે.
સમરી રિપોર્ટ અને તેની અસર
ACB દ્વારા કેસ પેન્ડિંગ રહેવા પાછળ એક મુખ્ય કારણ ‘સમરી રિપોર્ટ’ છે. તપાસ દરમિયાન પુરાવાઓના અભાવે ‘A’ સમરી (આરોપી મળ્યા વગર), ‘B’ સમરી (ફરિયાદ ખોટી જણાય) અને ‘C’ સમરી (માહિતીની ભૂલને કારણે ફરિયાદ) દાખલ કરાય છે. આ રિપોર્ટની વધતી સંખ્યા એ સાબિત કરે છે કે ACBની તપાસ પદ્ધતિઓ બેદરકાર અને ગોઠવણીયાળ છે.
તપાસમાં વિલંબના કારણો
જામીન અને કોર્ટ પ્રક્રિયા: આરોપીઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચીને જામીન મેળવતા હોય છે, જેનાથી તપાસ પ્રક્રિયામાં વિલંબ થાય છે.
પ્રોસીક્યુશન મંજૂરીની દિર્ધ પ્રકિયા: કોર્ટમાં કેસ ચલાવવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની મંજૂરી આવશ્યક હોય છે. આ મંજૂરી જલદી ન મળતાં કેસો લાંબા સમય સુધી અટવાઈ જાય છે.
ACB ચીફ અને અધિકારીઓના ખાલી સ્થાનો: છેલ્લા કેટલાંક વર્ષોમાં ACBમાં અનેક મહત્વના હોદ્દાઓ ખાલી રહ્યા છે, જેનાથી તપાસની અસરકારકતા ઓછી થઈ છે.
Gujarat ACB ભ્રષ્ટાચાર વિરોધી લડતમાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ તેના આંતરિક ગોટાળાઓ અને કાર્યપદ્ધતિમાંની ખામીઓ કારણે કાયદાનું અમલસૂત્ર નબળું પડી રહ્યું છે. તકેદારી આયોગના આક્ષેપો જોતા, ACBની કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા તાકીદની જરૂર છે.

