ગુજરાત વિદેશી રોકાણના પ્રવાહમાં મોખરે

Reena Brahmbhatt
1 Min Read

અમદાવાદ, તા. 5 : ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન અૉફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ગુજરાતમાં આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) પ્રવાહમાં દેશમાં સૌથી વધારે વૃદ્ધિ જોવા મળી છે. ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા 4.7 અબજ ડોલર એફડીઆઇ પ્રવાહની સરખામણીએ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે 55 ટકાના વધારા સાથે 2.6 ડોલર અબજ વધુ એફડીઆઇ પ્રાપ્ત કર્યું છે. આમ, ગુજરાતે નાણાકીય વર્ષ 2024માં 7.3 અબજ ડોલર નવું એફડીઆઇ પ્રાપ્ત કરીને, કર્ણાટક અને દિલ્હીને આ બાબતે પાછળ છોડી દીધા છે અને એફડીઆઇ પ્રવાહમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

fdi

- Advertisement -

રાજ્યમાં ઘણા ઉદ્યોગ-અનુકૂળ નિર્ણયો અને નીતિઓનો અમલને પરિણામે ગુજરાતે સતત ત્રણ નાણાકીય વર્ષ (2022,2023,2024)માં અનુક્રમે 2.7, 4.7 અને 7.3 ડોલર અબજનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવીને ઉત્તરોતર વૃદ્ધિ નોંધાવી છે. ગુજરાતને સતત પ્રાપ્ત થનાર એફડીઆઇના પ્રવાહ અંગે, ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના મંત્રી બળવંતાસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યમાં રોકાણ અને વ્યવસાય માટે અત્યાધુનિક ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તદુપરાંત ગુજરાતે સેમિકન્ડક્ટર જેવા મોટા ક્ષેત્રોમાં પણ મોટું રોકાણ પ્રાપ્ત કર્યું છે.’ ગુજરાતમાં એફડીઆઇના પ્રવાહમાં વૃદ્ધિના મુખ્ય કારણોમાં અત્યાધુનિક ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો સમાવેશ થાય છે.

Share This Article