Gujarat Food Safety: ગુજરાતમાં હાલ હોટેલ અને રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદા અને જીવડાં નીકળવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આરોગ્ય સાથે ચેડાં કરતી આવી ઘટનાઓ છતાં ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર નામની જ કામગીરી કરતા હોય તેવું જણાય છે. આક્ષેપ છે કે અનેક હોટેલ સંચાલકો અધિકારીઓને વિનામૂલ્યે ફૂડ પેકેટ અને નાણાકીય ભેટ આપીને તપાસમાંથી મુક્તિ મેળવી લે છે. પરિણામે, ગ્રાહકોના સ્વાસ્થ્યના ભોગે આ રેસ્ટોરન્ટોમાં સ્વચ્છતાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. તંત્ર દ્વારા માત્ર ફરિયાદ આવે ત્યારે જ દેખાડો કરવા પૂરતી તપાસ કરવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટ્સ અને હોસ્પિટલોમાં પીરસાતું અશુદ્ધ ભોજન
તાજેતરમાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ‘1944 હોક્કો કીચન’માં દાળ ખીચડીમાંથી વંદો નીકળવાની ગંભીર ઘટના બની હતી, જે ભોજન એક વર્ષના બાળકે પણ ખાધું હતું. આ ઉપરાંત, બાપુનગરની ESIC હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનમાં જીવાત મળી આવી હતી. શહેરના સી.જી. રોડ પર આવેલી જાણીતી ‘મોકા’ રેસ્ટોરન્ટમાં રોટલીની બાસ્કેટમાંથી જીવડાં નીકળી ટેબલ પર ફરતા હોવાનો કડવો અનુભવ એક પરિવારને થયો હતો. આટલી મોંઘીદાટ અને પ્રખ્યાત જગ્યાઓ પર પણ જો સ્વચ્છતાના ઠેકાણા ન હોય, તો સામાન્ય નાગરિકના જીવનું જોખમ વધી જાય છે.
રાજકોટથી અમરેલી સુધી રેસ્ટોરન્ટ અને સિનેમા કેન્ટીનમાં ગંદકીનું સામ્રાજ્ય
ભોજનમાં જીવાત નીકળવાની સમસ્યા માત્ર અમદાવાદ પૂરતી મર્યાદિત નથી. રાજકોટમાં આઈનોક્સ સિનેમાની કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તેવી જ રીતે, અમરેલીની જાણીતી અવધ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા ટિફિનની છાશમાં જીવાત નીકળતા ગ્રાહકે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સિંધુભવન રોડ પર આવેલા મોંઘા કેફે ‘Komo by Kaffa’ માં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળવાની ઘટનાએ પણ તંત્રની પોલ ખોલી દીધી છે. આ બનાવો દર્શાવે છે કે નાના નગરો હોય કે મોટા શહેરો, ખાદ્ય સુરક્ષાના નિયમો કાગળ પર જ રહી ગયા છે.
ભ્રષ્ટાચાર નાબૂદ કરી કડક દંડ અને સીલ મારવાની જરૂરિયાત
દિન પ્રતિદિન વધતા આવા કિસ્સાઓ ફૂડ વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે. પ્રજાના આરોગ્ય સાથે રમત રમતા તત્વો સામે માત્ર સામાન્ય દંડ પૂરતો નથી. નિષ્ણાતો અને જનતાની માંગ છે કે જે હોટેલ કે રેસ્ટોરન્ટમાં આવી ગંદકી જોવા મળે, તેને ઓછામાં ઓછા ૬ મહિનાથી એક વર્ષ સુધી સીલ કરી દેવી જોઈએ અને મોટી રકમનો દંડ ફટકારવો જોઈએ. જો સરકાર આ બાબતે ગંભીરતા નહીં દાખવે, તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે. સ્વચ્છતા જાળવવી એ હવે માત્ર નૈતિકતા નહીં પણ કાયદાકીય ફરજ બનાવવી અનિવાર્ય છે.

