Gujarat Forest Workers Protest: ગુજરાત વન વિભાગમાં ફરજ બજાવતા વનપાલ અને બીટગાર્ડ કર્મચારીઓના લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનનો અંત આવ્યો છે. વિવિધ પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ વિરોધ કરી રહ્યા હતા. જોકે, રાજ્ય સરકારના હકારાત્મક વલણ અને વન તથા પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની દરમિયાનગીરી બાદ કર્મચારી મંડળે આંદોલન સમેટવાની જાહેરાત કરી છે.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીની સૂચનાથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારી એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કર્મચારીઓની વિવિધ માંગણીઓ અને લાંબા સમયથી અટકેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ચર્ચા દરમિયાન અનેક માંગણીઓના ઉકેલ માટે હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો. જોકે, કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગની મંજૂરી લેવી જરૂરી હોવાથી નિયમ મુજબની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. સરકાર દ્વારા બાકી પ્રશ્નોનો પણ ટૂંક સમયમાં ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે.
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે વનપાલ અને બીટગાર્ડ કર્મચારીઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જંગલો અને વન્યજીવોની સુરક્ષા માટે દિવસ-રાત કામગીરી કરે છે. તેમની મહેનત વન સંપત્તિના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સરકારની ખાતરી અને બેઠકમાં થયેલી ચર્ચા બાદ કર્મચારી મંડળે આંદોલન પૂર્ણ કરવાની સંમતિ આપી છે. હવે બાકી રહેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોની મંજૂરી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

