Narayan Sai Bail News: નારાયણ સાઈને હાઈકોર્ટનો આકરો ઝટકો: સજા મોકૂફીની અરજી ફગાવી, જામીનની આશા પર ફરી વળ્યું પાણી

Arati Parmar
3 Min Read
Narayan Sai Bail News

Narayan Sai Bail News: સ્વયંભૂ ધર્મગુરુ આસારામના પુત્ર નારાયણ સાઈની મુશ્કેલીઓમાં ફરી એકવાર મોટો વધારો થયો છે. દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સાઈએ પોતાની સજા મોકૂફ રાખવા અને જેલમાંથી બહાર આવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે આ અરજીને સખત શબ્દોમાં ફગાવી દીધી છે. જસ્ટિસ ઈલેશ જે. વોરા અને આર.ટી. વચ્છાણીની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું કે, અરજદાર પોતે જ કેસની સુનાવણી ઝડપથી પૂરી થાય તેમાં રસ ધરાવતા નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરીને લાંબો સમય જેલની બહાર રહેવાની પેરવીને પ્રોત્સાહન આપી શકાય નહીં.

વિલંબની રણનીતિ સામે ન્યાયતંત્ર લાલઘૂમ

કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે વર્ષ 2019થી અત્યાર સુધી નારાયણ સાઈ દ્વારા અપીલની મુખ્ય સુનાવણીમાં કોઈ સહકાર આપવામાં આવ્યો નથી. તેના બદલે, વારંવાર વચગાળાના જામીન માટે નવી નવી અરજીઓ કરીને સમય પસાર કરવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. વર્ષ 2021માં જ્યારે અપીલની અંતિમ સુનાવણી નક્કી કરવામાં આવી હતી, ત્યારે પણ સાઈના વકીલો તરફથી તેના માટે તૈયારી દર્શાવવામાં આવી નહોતી. હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, જે વ્યક્તિ પોતે જ કેસ ચલાવવામાં વિલંબ કરે છે, તે સુનાવણીમાં વિલંબના બહાને સજા મોકૂફીનો લાભ મેળવવાને પાત્ર નથી.

- Advertisement -

સુરતનો એ કમકમાટીભર્યો કિસ્સો અને જેલવાસ

નારાયણ સાઈ હાલમાં સુરતની જેલમાં બંધ છે. વર્ષ 2013માં સુરતની બે સગી બહેનોએ આસારામ અને નારાયણ સાઈ વિરુદ્ધ દુષ્કર્મ, ગેરકાયદેસર અટકાયત અને ધાકધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. આ ચકચારી કેસમાં લાંબી કાયદેસરની લડાઈ બાદ, 2019માં સુરતની કોર્ટે નારાયણ સાઈને આજીવન કેદની કડક સજા ફટકારી હતી. સાઈએ પોતાની તાજેતરની અરજીમાં દલીલ કરી હતી કે તેઓ છેલ્લા 11 વર્ષથી જેલમાં છે અને હજુ પણ તેમની અપીલ પડતર છે, પરંતુ કોર્ટે તેમની આ દલીલને ફગાવી દઈને આગામી સુનાવણી 12 જૂન પર નિર્ધારિત કરી છે.

પત્ની સાથેનો વિવાદ અને ભરણપોષણનો મામલો

જેલવાસની સાથે સાથે નારાયણ સાઈ પારિવારિક મોરચે પણ ઘેરાયેલા છે. તેમની પત્ની જાનકી હરપલાનીએ ઈન્દોરની કોર્ટમાં છૂટાછેડા અને ભરણપોષણ માટે કેસ દાખલ કરેલો છે. જાનકીએ સાઈ પર ગંભીર માનસિક અને શારીરિક ત્રાસના આક્ષેપો લગાવ્યા છે અને 5 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. વર્ષ 2018માં ફેમિલી કોર્ટે સાઈને દર મહિને 50 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જાનકીનો આરોપ છે કે છેલ્લા આઠ વર્ષથી તેમને એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. આમ, આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ ગુના આચરનાર નારાયણ સાઈ અત્યારે કાયદાના ગાળિયામાં બરાબરના ફસાયા છે.

- Advertisement -

આ પણ વાંચો: Pulitzer Prize Winners 2026: બે ભારતીય પત્રકારોએ જીત્યો પ્રતિષ્ઠિત પુલિત્ઝર એવોર્ડ, જાણો કેમ મળ્યું સન્માન – Newz Cafe

Share This Article