Gujarat Heavy Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: વલસાડમાં 35 ઈંચથી વધુ વરસાદ, 4 જિલ્લામાં શાળા-કોલેજો બંધ, અનેક માર્ગો પાણીમાં ગરકાવ

Arati Parmar
4 Min Read

Gujarat Heavy Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં તાપી, વલસાડ, નવસારી, સુરત અને ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, માર્ગો પાણીમાં ગરકાવ થયા છે અને વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. સતત વરસી રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને નવસારી, સુરત, વલસાડ અને તાપી જિલ્લામાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 213 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. તેમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં સૌથી વધુ 35.67 ઈંચ વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. કપરાડામાં 28.78 ઈંચ, નાનાપોંઢામાં 25.31 ઈંચ, ધરમપુરમાં 19.65 ઈંચ, પારડીમાં 17.64 ઈંચ, વાંસદામાં 17.13 ઈંચ તેમજ વાપી અને વલસાડ શહેરમાં 16.26 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

વલસાડમાં ઔદ્યોગિક એકમો બંધ રાખવાનો નિર્ણય

ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે વલસાડ જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોને આજે સમગ્ર દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. શ્રમયોગીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા સંચાલકોને તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે ઘરે મોકલવા સૂચના આપવામાં આવી છે. માત્ર આવશ્યક સેવાઓ માટે જરૂરી ન્યૂનતમ સ્ટાફને જ ફરજ પર રાખવા જણાવાયું છે.

જિલ્લા વહીવટી તંત્રે જોખમી રસાયણો, મશીનરી, વિદ્યુત વ્યવસ્થા અને અન્ય મહત્વપૂર્ણ સાધનોને સુરક્ષિત રાખવા ખાસ તકેદારી રાખવા પણ સૂચના આપી છે.

વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ

તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવે પર ગડત ગામ નજીક કોતરાનું પાણી રસ્તા પર ફરી વળતાં હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે વાહનવ્યવહાર થોડા સમય માટે સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. અનેક વાહનચાલકો રસ્તા પર અટવાઈ ગયા હતા, જ્યારે કેટલાક લોકોએ પાણીનું વહેણ ઓછું થયા બાદ જ મુસાફરી શરૂ કરી હતી.

જિલ્લાના અનેક ગ્રામ્ય માર્ગો પર પણ ઓવરટોપિંગની સ્થિતિ સર્જાતા ગામો વચ્ચેનો સંપર્ક પ્રભાવિત થયો છે. વહીવટી તંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરી છે.

ડાંગ જિલ્લામાં 47 માર્ગો બંધ

ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના 47 માર્ગો હાલ માટે બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ વહેલી તકે પુનઃ શરૂ કરવા કામગીરી હાથ ધરાઈ છે તેમજ નાગરિકોની સલામતી માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

નવસારીમાં સરેરાશ 10 ઈંચ વરસાદ

નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 10 ઈંચ વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વરસાદમાં નવસારીમાં 6.93 ઈંચ, જલાલપોરમાં 7.24 ઈંચ, ગણદેવીમાં 7.72 ઈંચ, ચીખલીમાં 7.91 ઈંચ, વાંસદામાં 17.13 ઈંચ અને ખેરગામમાં 14.09 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે.

અમદાવાદમાં પણ મેઘરાજાની એન્ટ્રી

અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સોલા, ગોતા, એસ.જી. હાઈવે, ચાંદલોડિયા, બોડકદેવ, પકવાન ચાર રસ્તા, માનસી ચાર રસ્તા, વસ્ત્રાપુર, જોધપુર, થલતેજ અને સિંધુ ભવન સહિતના વિસ્તારોમાં પહેલા ઝરમર વરસાદ શરૂ થયો હતો, જે બાદ ભારે વરસાદ શરૂ થતાં અનેક માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી.

હવામાન વિભાગનું એલર્ટ

હવામાન વિભાગે આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

તે ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી વહીવટી તંત્રે નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અપીલ કરી છે.

Share This Article