Gujarat High Court News: વકીલ સાહેબે ગજબ કરી દીધો, વળતર હડપવાના ચક્કરમાં હાઈકોર્ટથી 11 વર્ષ સુધી છુપાવ્યું ક્લાયન્ટના મોતનું સત્ય

Arati Parmar
3 Min Read

Gujarat High Court News: ગુજરાત હાઈકોર્ટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વકીલે વળતર હડપવાની લાલચમાં હાઈકોર્ટથી પોતાના ક્લાયન્ટના મોતનું સત્ય 11 વર્ષ સુધી છુપાવી રાખ્યું હતું. હાઈકોર્ટને પણ આ વાતની જાણ થઈ નહોતી અને કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખી લીધો હતો. પરંતુ અહીંથી જ વાર્તામાં વળાંક આવ્યો. હાઈકોર્ટે ચુકાદાના દિવસે વકીલને અરજદારને રજૂ કરવા માટે કહ્યું, ત્યારે વકીલે જણાવ્યું કે અરજદારનું મૃત્યુ તો 11 વર્ષ પહેલાં જ થઈ ગયું છે. આ સાંભળીને હાઈકોર્ટના જજ આશ્ચર્યચકિત થઈ ગયા અને વકીલની આકરી ઝાટકણી કાઢી હતી.

શું છે સમગ્ર મામલો?

હકીકતમાં આ મામલો જાન્યુઆરી 2003નો છે. મકવાણા નામની વ્યક્તિ પોતાની બાઈક ચલાવી રહ્યા હતા ત્યારે એક ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાછળ બેઠેલી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મકવાણા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને લકવો (પેરાલિસિસ) થઈ ગયો હતો. ત્યારબાદ તેમણે વડોદરા સ્થિત IPCLમાંથી સ્વેચ્છિક નિવૃત્તિ (VRS) લઈ લીધી હતી.

- Advertisement -

વધુ વળતર માટે હાઈકોર્ટમાં અપીલ કરી

વર્ષ 2012માં મોટર અકસ્માત દાવો ટ્રિબ્યુનલે ટ્રક માલિક અને વીમા કંપનીને મકવાણાને 10.4 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ રકમથી અસંતુષ્ટ થઈને તેમણે વધુ વળતર માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 27 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અદાલતે અરજદારના વકીલને નિર્દેશ આપ્યો કે 3 ફેબ્રુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા મકવાણાને રજૂ કરવામાં આવે. તે સમયે વકીલે પહેલીવાર કોર્ટને જણાવ્યું કે મકવાણાનું અવસાન તો ઓગસ્ટ 2015માં જ થઈ ચૂક્યું છે.

હાઈકોર્ટે વકીલને ફટકારી ફટકાર

આ સાંભળીને જસ્ટિસ સંગીતા વિશ્ર્વેન અને જસ્ટિસ નિશા ઠાકોરે વકીલને કડક ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આટલી મહત્વની જાણકારી છુપાવવી એ ગંભીર બેદરકારી છે. ત્યારબાદ અદાલતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને નિર્દેશ આપ્યો કે તે મકવાણાના કાયદેસરના વારસદારોને શોધી કાઢે અને તેમને આ કેસમાં સામેલ કરે. 25 ફેબ્રુઆરીના રોજ કોર્ટે તેમની અપીલ મંજૂર કરી હતી. હવે મકવાણાના બે પુત્રો અને બે પુત્રીઓને આ કેસમાં અપીલકર્તા બનાવવામાં આવ્યા છે. તેમને હવે 37.2 લાખ રૂપિયાનું વધેલું વળતર મળશે. કોર્ટે એ પણ નોંધ્યું કે મકવાણાની પત્નીનું અવસાન 2019માં થઈ ગયું છે. જ્યારે તેમના બાળકોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને આ કેસ વિશે કોઈ જાણકારી જ નહોતી.

- Advertisement -
Share This Article