Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં ગટરની સમસ્યાની રજૂઆત કરવા ગયેલા અરજદાર અને ચીફ ઓફિસર વચ્ચે થયેલા વિવાદે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જગાવી છે. અરજદાર દ્વારા ચીફ ઓફિસર પર મોબાઇલ ફોન તોડી નાખવા, ધક્કામુક્કી કરવા અને કરિયર બરબાદ કરવાની ધમકી આપ્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજી તરફ ચીફ ઓફિસરે તમામ આરોપોને નકારી કાઢીને સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
18 જુલાઈએ રજૂઆત દરમિયાન થયો વિવાદ
મળતી માહિતી મુજબ પાટણની પદ્મનાભ સોસાયટીમાં રહેતા હિતેશભાઈ દેસાઈ 18 જુલાઈના રોજ ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા પાટણ નગરપાલિકામાં પહોંચ્યા હતા. શરૂઆતમાં તેઓ ચીફ ઓફિસર હિરલબેન ઠાકોરને મળવા ગયા હતા, પરંતુ તેમને મુલાકાતનો સમય ન હોવાનું જણાવવામાં આવ્યું અને બહાર રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું.
ત્યારબાદ હિતેશભાઈ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળની ઓફિસમાં પહોંચ્યા, જ્યાં અન્ય હોદ્દેદારો પણ હાજર હતા. ત્યાં તેમણે પોતાની રજૂઆત શરૂ કરી હતી.
વિડિયો રેકોર્ડિંગ દરમિયાન માહોલ ગરમાયો
હિતેશભાઈ સાથે આવેલા તેમના મિત્ર વિપુલભાઈ ચૌધરી સમગ્ર ઘટનાનો મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા. આ દરમિયાન ચીફ ઓફિસરે વીડિયો ઉતારવાનો વિરોધ કર્યો અને વાતચીત દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.
ફરિયાદ મુજબ ચીફ ઓફિસરે હિતેશભાઈ સામે ચપટી વગાડીને ધમકી આપી, તેમનો કોલર પકડી ધક્કામુક્કી કરી અને ઝપાઝપી દરમિયાન અરજદારનો મોબાઇલ ફોન છીનવીને તોડી નાખ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
કરિયર બરબાદ કરવાની અને ખોટા કેસમાં ફસાવવાની ધમકીનો આક્ષેપ
હિતેશભાઈ દેસાઈએ પોલીસ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે ઘટનાક્રમ દરમિયાન ચીફ ઓફિસરે તેમને “હું તને જોઈ લઈશ”, “તારું કરિયર પૂરું કરી નાખીશ” અને “તને ખોટા કેસમાં ફસાવી દઈશ” જેવી ધમકીઓ આપી હતી.
આક્ષેપોના આધારે પાટણ સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચીફ ઓફિસર હિરલબેન ઠાકોર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2), 324 અને 115(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
ફરિયાદી અને તેમના પરિવારની રાજકીય પૃષ્ઠભૂમિ પણ ચર્ચામાં
માહિતી મુજબ ફરિયાદી હિતેશ દેસાઈ પાટણ શહેર એનએસયુઆઈ સાથે જોડાયેલા છે. તેમના પિતા ગોમાભાઈ દેસાઈ પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, જ્યારે તેમની માતા આશાબેન દેસાઈ વોર્ડ નંબર 11ના વર્તમાન કોર્પોરેટર હોવાનું પણ સામે આવ્યું છે.
આ રાજકીય પૃષ્ઠભૂમિને કારણે સમગ્ર ઘટનાએ વધુ રાજકીય રંગ ધારણ કર્યો છે.
ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર પર સાધ્યા નિશાન
આ સમગ્ર ઘટનાને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે ચીફ ઓફિસર સામે પોલીસમાં ગુનો નોંધાવવો યોગ્ય પગલું છે અને પોલીસ દ્વારા ફરિયાદની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી છે.
તેમણે આરોપ લગાવ્યો કે રજૂઆત કરવા આવેલા નાગરિકો સાથે દાદાગીરી કરવી, મોબાઇલ તોડી નાખવો અને ધમકી આપવી જેવી ઘટના કોઈ જવાબદાર અધિકારીને શોભતી નથી.
કિરીટ પટેલે વધુમાં એવો પણ દાવો કર્યો કે ચીફ ઓફિસર અગાઉ જ્યાં ફરજ બજાવી ચૂક્યા છે ત્યાં પણ તેઓ વિવાદોમાં રહ્યા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે પાટણ નગરપાલિકામાં લેવાયેલા કેટલાક નિર્ણયોને લઈને અન્ય તપાસ પણ ચાલી રહી છે અને ભવિષ્યમાં વધુ કેસ નોંધાઈ શકે છે.
તેમણે જણાવ્યું કે આવા બનાવોમાં કાયદેસરની કાર્યવાહી થવાથી અન્ય અધિકારીઓમાં પણ જવાબદારી અને કાયદાનો ભય રહેશે.
ચીફ ઓફિસરે તમામ આરોપોને ફગાવ્યા
બીજી તરફ ચીફ ઓફિસર હિરલબેન ઠાકોરે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
તેમણે જણાવ્યું કે 18 જુલાઈના રોજ હિતેશભાઈ દેસાઈ પદ્મનાભ સોસાયટીમાં ગંદકીની સમસ્યા અંગે રજૂઆત કરવા આવ્યા હતા. તે દરમિયાન અન્ય એક વ્યક્તિએ વચ્ચે બોલવાનું શરૂ કર્યું અને તેમની સાથે આવેલા વ્યક્તિએ વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.
ચીફ ઓફિસરનો દાવો છે કે તેઓ ચેમ્બરની બહાર નીકળતા હતા ત્યારે એક યુવકે તેમનો હાથ પકડીને તેમને એક તરફ લઈ જઈ અશોભનીય વર્તન કર્યું હતું.
રાજકીય દબાણના આક્ષેપ પણ કર્યા
ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું કે 24 જૂનના રોજ તેમણે પાટણના ધારાસભ્ય સામે કોર્ટમાં ક્રિમિનલ ડિફેમેશન સંબંધિત ફરિયાદ દાખલ કરી હતી. ત્યારથી તેમના પર દબાણ લાવવા માટે આ પ્રકારની ઘટનાઓ સર્જવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવી અને કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો.
પોલીસ તપાસ બાદ જ થશે સ્પષ્ટતા
હાલ સમગ્ર મામલે બંને પક્ષોએ એકબીજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. એક તરફ અરજદારે મોબાઇલ તોડવા, ધમકી આપવા અને દુર્વ્યવહારના આરોપો લગાવ્યા છે, જ્યારે બીજી તરફ ચીફ ઓફિસરે રાજકીય દબાણ અને અશોભનીય વર્તનનો આક્ષેપ કર્યો છે.
પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે તપાસ દરમિયાન મળનારા પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને ઉપલબ્ધ વીડિયો સહિતના અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. હાલ આ મામલો પાટણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

