Dog Surgery success Bharuch: સોનોગ્રાફી બાદ CT સ્કેનથી થયું ચોક્કસ નિદાન
By: મુનીર પઠાણ, ભરૂચ.
ભરૂચ:
અદ્યતન નિદાન પદ્ધતિ અને નિષ્ણાત સર્જિકલ ટીમના સંકલિત પ્રયાસોથી એક શ્વાનની કિડનીમાં થયેલો આશરે ૧.૮ કિલોગ્રામ વજનનો વિશાળ ટ્યુમર સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો છે. અત્યંત જટિલ ગણાતી આ સર્જરી બાદ શ્વાનની તબિયત હાલ સ્થિર છે અને તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચમાં શેરીમાં રખડતા શ્વાનના પેટમાં ગાંઠ હોવાની શંકા જતાં સૌપ્રથમ તેની સોનોગ્રાફી કરવામાં આવી હતી. સોનોગ્રાફીમાં ટ્યુમર હોવાનું જણાયું હતું, પરંતુ તે કયા અંગમાંથી ઉદ્ભવ્યો હતો તે સ્પષ્ટ થઈ શક્યું નહોતું. ત્યારબાદ CT સ્કેન કરવામાં આવતા જાણવા મળ્યું કે ટ્યુમર જમણી કિડનીમાંથી ઉદ્ભવ્યો હતો. નિદાનના આધારે તાત્કાલિક નેફ્રેક્ટોમી (કિડની દૂર કરવાની સર્જરી) કરવામાં આવી, જેમાં આશરે ૧૨.૫ × ૧૧.૫ × ૧૬.૫ સેમી કદ અને ૧.૮ કિલોગ્રામ વજનનો વિશાળ ટ્યુમર સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો.

ડૉ. કૃણાલ લેઉવા અને ડૉ. હિમાલીની ટીમે આ અત્યંત પડકારજનક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. ટ્યુમર આખા પેટમાં ફેલાઈ ગયો હતો અને તેની અસર હાડકાંને બાદ કરતાં ફેફસાં સુધી પહોંચી ચૂકી હતી. આવી સ્થિતિમાં સર્જરી કરવી પશુચિકિત્સા ક્ષેત્રમાં ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. પશુચિકિત્સા ક્ષેત્રની આ સફળતા માત્ર આધુનિક ટેક્નોલોજી અને નિષ્ણાત તબીબી કુશળતાનું ઉત્તમ ઉદાહરણ નથી, પરંતુ એક અબોલ જીવને નવજીવન આપવાની સંવેદનશીલ સેવાભાવની પણ પ્રેરણાદાયક સાબિતી બની છે. આ સફળ સર્જરી માટે ડૉક્ટરોની કામગીરીને પશુ પ્રેમીઓ સહિત ભરૂચની જનતા દ્વારા બિરદાવવામાં આવી રહી છે.

